દરિયા કિનારે બીચ પર હોમગાર્ડસ જવાનોની દારૂ પાર્ટી કરતો વિડીયો વાયરલ
સુરત, ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના લીરેલીરાંની એક ચોંકાવનારી ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના ડભારી દરિયાકિનારે હોમગાર્ડના જવાનો દ્વારા ધોળા દિવસે ખુલ્લેઆમ બીચ પર બેસીને દારૂ પાર્ટી કરવામાં આવી હતી. એટલું જ નહીં નશામાં ભાન ભૂલેલાં આ જવાનોએ માથે દારૂની બોટલો મૂકીને ડાન્સ પણ કર્યો હતો.
જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ૨૬મી જાન્યુઆરીએ જ્યાં સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી હતી. તેવામાં સુરતના અમુક હોમગાર્ડ જવાન અલગ જ પ્રકારની ઉજવણી કરતાં હતા. સુરતના ઓલપાડના દભારી દરિયાકિનારે હોમગાર્ડના જવાનો દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી હતી.
અને માથે બોટલો મૂકી સરેઆમ ડાન્સ પણ કર્યો હતો. જાણે કે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે ખુલ્લેઆમ દારૂ પાર્ટીની મોજ ચાલી રહી હતી. આ પાર્ટીમાં હોમગાર્ડના સાયણ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડિંગ પણ સામેલ હતો.