ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ ૪.૧૫ રૂપિયા મોંઘું થયું
નવી દિલ્હી, સરકારી ઓઇલ કંપનીઓએ આજે મંગળવારે (૧૯ ઓક્ટોબર) પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. અનેક દિવસ સુધી સતત ભાવ વધારા બાદ મંગળવારે પેટ્રોલ-ડીઝલના ભાવ આખા દેશમાં સ્થિર રહ્યા છે. આ પહેલા સોમવારે પણ ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા.
રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલ પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ ઊંચાઈ પર છે. આઈઓસીએલ તરફથી જાહેર કરવામાં આવેલા ભાવ પ્રમાણે દિલ્હીમાં આજે ઇન્ડિયન ઓઇલ પંપ પર પેટ્રોલની કિંમત ૧૦૫.૮૪ રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત ૯૪.૫૭ રૂપિયા પ્રતિ લીટર છે. ઓક્ટોબર મહિનામાં અત્યારસુધી ઇંધણની કિંમતમાં ૧૪ વખત વધારો કરવામાં આવ્યો છે. ફક્ત ત્રણ દિવસને બાદ કરતા પેટ્રોલ અને ડીઝલની કિંમત સતત વધી છે.
ઓક્ટોબર મહિનામાં જ પેટ્રોલ ૪.૧૫ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. જ્યારે ડીઝલ ૪.૭૦ રૂપિયા મોંઘું થઈ ગયું છે. બીજી તરફ કાચા તેલની કિંમત ૯૦ ડૉલર પ્રતિ બેરલ પહોંચવાનો અંદાજ છે. આ કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો ચાલુ જ રહેશે તેવું અનુમાન છે. પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિંમત પાછળ ટેક્સનો મોટો હાથ છે. પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સ વસૂલ કરે છે.
આ ઉપરાંત ફ્રેટ, ડીલર ચાર્જ અને ડીલર કમિશન પણ સામેલ છે. આ તમામ વસ્તુઓને જાેડ્યા બાદ પેટ્રોલની વેચાણ કિંમત બને છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી આખા દેશમાં સમાન છે. પરંતુ દરેક રાજ્ય તેના પર અલગ અલગ વેટ લગાવે છે. આ કારણે જ દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અલગ અલગ હોય છે. દેશમાં સૌથી વધારે મોંઘું પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાનમાં મળે છે.
ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો જેટલો વપરાશ છે તેની સરખામણીમા ઉત્પાદન ખૂબ ઓછું છે. આથી જ ૭૦ ટકા ક્રૂડ ઓઇલ બહારથી આયાત કરવું પડે છે. જે બાદમાં દેશમાં આવેલી રિફાઇનરીઓમાં તેને રિફાઇન કરવામાં આવે છે. જેમાંથી પેટ્રોલ, ડીઝલ, એલપીજી વગેરે અલગ કરવામાં આવે છે.
આ કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલનો હાલ ભાવ ૮૫ ડૉલર પ્રતિ બેરલની આસપાસ છે. સરકારી આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૪માં પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી ૯.૪૮ રૂપિયા પ્રતિ લીટર હતી. જે આજે વધીને ૩૨.૯૦ રૂપિયા પ્રતિ લીટર છે. આ જ રીતે ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ૩.૫૬ રૂપિયા પ્રતિ લીટર હતી, જે આજે વધીને ૩૧.૮૦ રૂપિયા પ્રતિ લીટર થઈ છે.SSS