સગીરાને કેફી પીણું પીવડાવી યુવકે બળાત્કાર ગુજાર્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Rape-1.jpg)
પ્રતિકાત્મક
સુરત, શહેરના લિંબાયતમાં રહેતી સગીરાને આંજણા ફાર્મના કારખાનામાં સાથે કામ કરતા યુવકે કોફી પીવાના બહાને લિંબાયત-મીઠીખાડીના કાફેના કપલબોક્સમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ફરિયાદ બાદ આરોપી નીતીશ સહાનીની ધરપકડ કરી હતી.
આંજણા ફાર્મ વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના કારખાનામાં નિખિલ નામનો યુવક કામ કરતો હતો. આ કારખાનામાં જ કામ કરતી ૧૫ વર્ષીય સગીરા સાથે તેની આંખ મળી હતી. નિખિલે સગીરા સાથે લોભામણી વાતો કરીને પોતાના પ્રેમમાં ફસાવી હતી. બપોરના સુમારે કારખાનામાં જમવાની રિસેસ પડતા નિખિલે સગીરાને કોફી પીવા જવાની વાત કરી હતી.
અન્ય કર્મચારીઓ પણ આવતા હોવાનું કહી નિખિલ સગીરાને રિક્ષામાં બેસાડી લિંબાયત-મીઠીખાડી ખાતે આવેલા વેલેન્ટાઇન કાફેમાં લઇ ગયો હતો. અહીં કારખાનામાં સાથે કામ કરતો અનિલ અને સોનલ પણ તેઓ સાથે આવ્યા હતા અને બાદમાં ગાયબ થઇ ગયા હતા. કાફેના કપલ બોક્સમાં લઇ જઇ નિખિલે કેફી પીણું પીવડાવી સગીરા સાથે બળજબરી કરી હતી.
નિખિલે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં અર્ધબેહોશ હાલતમાં નિખિલ તેણીને રિક્ષામાં લઇ કારખાને પહોંચ્યો હતો. માતાને સગીરાની તબિયત અસ્વસ્થ અને કપડાં પરથી શંકા ઉપજી હતી. જાેકે, તે સમયે તેણીએ માતાથી હકીકત છુપાવી હતી. ત્યારબાદ માતાએ ગુસ્સે થઇ સાચી હકીકત કહેવાની વાત કરતા સગીરાએ નિખિલે કરેલા દુષ્કર્મની વાત કરી હતી. આખરે સમગ્ર મામલો સલાબતપુરા પોલીસમાં પહોંચ્યો હતો.
પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આકોરી નિખિલ ઉર્ફે નીતીશ પ્રેમ સહાનીની ધરપકડ કરી હતી. પોલીસ કાફેના સંચાલકની પણ ભૂમિકા ચકાસી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સરથાણામાં ઇન્સ્ટ્રાગ્રામ ઉપર મિત્રતા બાદ સગીરાને લગ્નની લાલચે બળાત્કાર ગુજારાયો હતો.
યુવકે આ વીડિયો બનાવીને પોતાના બે મિત્રોને આપતા બંને મિત્રોએ પણ સગીરાની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્રણેયએ પોતાની વાસના સંતોષી લીધા બાદ યુવતીનો નગ્ન વીડિયો વાઇરલ કરી દીધો હતો. જે અંગે સરથાણા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ત્રણેય યુવકોની ધરપકડ કરી હતી.SSS