રોડ ક્રોસ કરતા ગાડીએ અડફેટે લેતાં યુવકનું મોત થયું
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ૨૪ કલાકમાં જ હિટ એન્ડ રનની બીજી ઘટના બની છે. શહેરના નરોડા પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં એક કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લેતા તેનુ મોત નિપજ્યુ હતું.
શહેરમાં ગઈકાલે એક બીએમડબલ્યુકાર ચાલકે વૃદ્ધ દંપતિને અડફેટે લીધા હતા. આ ઘટનાને હજુ ૨૪ કલાક જેટલો સમય થયો છે ત્યા ફરી એકવાર એક કાર ચાલકે એક યુવકને અડફેટે લેતા તે યુવકનું મોત નિપજ્યુ હતું. આ ઘટના નરોડા પાટીયા પાસે બની હતી. રોડ ક્રોસ કરી રહેલા યુવકને કાર ચાલકે ઉલાળ્યો હતો.
કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છુટ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનામાં મૃતક યુવાનની ઓળખની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક બાપુનગરનો રહેવાસી હતો. પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજના આધારે વાહન ચાલકની શોધખોળ શરુ કરી રહી છે. મૃતક યુવકનું નામ જાણવા મળ્યુ નથી.
અમદાવાદ શહેરમાં ઝાયડસ હોસ્પિટલથી સિસ્મ હોસ્પિટલ જવાના રસ્તા પર એક પુરપાટ ઝડપે આવતી બીએમડબલ્યુકારે એક દંપતીને અડફેટે લેતા દંપતી ફંગોળાઈને રસ્તા પર પટકાયું હતું. આ અકસ્માતમાં દંપતિ ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં કાર ચાલક કાર મુકીને ભાગી જતા બાદમાં કારની તપાસ કરતા કારની અંદરથી એક બેંક પાસબુક મળી આવી હતી. આ ઉપરાંત દારુની બોટલો પણ મળી આવી હતી. આ પાસબુકને આધારે કાર ચાલકનું નામ સત્યમ શર્મા જાણવા મળ્યુ હતું.