જામનગરમાં ખાનગી શાળામાં આગ લાગતા નાસભાગ

(એજન્સી)જામનગર,
જામનગરમાં સરુસેક્સન રોડ પર આવેલી ખાનગી મોદી સ્કૂલમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન આજે સવારે ઈલેક્ટ્રીક વાયરીંગમાં સાર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જેથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શાળા સંચાલકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા, જયારે મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ સમયસર શાળાની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને આગ બુજાવી દેતાં સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.
જામનગરમાં સરુસેક્સન રોડ પર આવેલી ખાનગી મોદી સ્કૂલ કે જેમાં સવારની શિફ્ટમાં અંદાજે ૪૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, જે તેમ દરમિયાન સ્કૂલના પાછળના ભાગમાં સવારે ૯.૪૫ વાગ્યે ઇલેક્ટ્રીક બોર્ડના પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, જેની જામનગર મહાનગર નગરપાલિકાની ફાયર શાખાને જાણ કરવામાં આવી હતી. ટુકડી તુરંત જ સ્થળ પર પહોંચે તે પહેલા શાળા સંચાલકો દ્વારા યુદ્ધના ધોરણે તમામ બાળકોને તેઓના ક્લાસરૂમમાંથી સહી સલામત બહાર કાઢ્યા હતા.
ફાયર બ્રિગેડ શાખાના ભરત ગોહેલ તેમજ ભારત જેઠવા સહિત ચાર જેટલા ફાયરના જવાનોની ટીમ દ્વારા શાળામાં જ લગાડેલી ફાયર પ્રણાલી સિસ્ટમનો ઉપયોગ કરી તાત્કાલિક અસરથી ઈલેક્ટ્રીક પેનલમાં લાગેલી આગ બુઝાવી દેવામાં આવી હતી, જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. સ્થિતિ થાળે પડતાં મોડેથી શાળામાં શૈક્ષણિક કાર્યની કાર્યવાહી પૂનઃ શરૂ કરી દેવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીના વાલીઓમાં પણ થોડો સમય માટે ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું, પરંતુ આગ સમયસર કાબુમાં આવી ગઈ હોવાથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.