ગેરકાયદે રહેતા ૧પથી વધુ લઘુમતી કોમના યુવકોના મકાન મેઘાણીનગરમાંથી ખાલી કરાવાયા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં જ્યારે આતંકી હુમલા થયા ત્યારે આતંકવાદીઓ ભાડાના મકાનમાં રોકાયા હતા. ત્યારબાદ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી અને ભાડુઆતના ભાડા કરાર કરીને મકાન ભાડે આપવાનો નિયમ લેવાઈ ગયો હતો. અમદાવાદમાં ઘણા એવા મકાન માલિક છે કે જેઓ ભાડા કરાર કર્યા વગર ભાડુઆતને મકાન રહેવા માટે આપી દે છે
જેના કારણે ઘણી વખત અનિચ્છનીય બનાવો પણ બને છે. મેઘાણીનગર વિસ્તારમાં કેટલાક લઘુમતી કોમના યુવકો ગેરકાયદે વસવાટ કરતા હોવાની સ્થાનિકો લોકોએ ફરિયાદ કરી હતી જેને લઈ ગઈકાલે બજરંગદળના કાર્યકરો એકશન મોડમાં આવી ગયા હતા. ૧૦૦થી વધુ બજરંગદળના કાર્યકરોએ પોલીસની ટીમને સાથે રાખીને ગેરકાયદે વસવાટ કરી રહેલા ૧પથી વધુ લઘુમતી કોમના યુવકોના મકાન ખાલી કરાવી દીધા હતા.
જય શ્રીરામના નારા સાથે કાર્યકરોએ મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ચાર મકાનમાં હલ્લાબોલ કર્યો હતો અને તમામને ઘર ખાલી કરી દેવા માટે વિનંતી કરી હતી. ૧પ લઘુમતી કોમના યુવકોએ તાત્કાલિક ભાડે રાખેલા મકાન ખાલી કરી દીધા હતા અને બીજી જગ્યાએ સ્થળાંતર થઈ ગયા હતા. મકાન માલિકોએ ભાડા કરાર વગર યુવકોને ભાડે મકાન આપી દીધા હોવાનું સામે આવતાં બજરંગદળના કાર્યકરોએ પોલીસ ફરિયાદ પણ કરી છે.
મેઘાણીનગર વિસ્તારમાં મોટા ભાગના પરપ્રાંતિય લોકો શાંતિથી વસવાટ કરે છે ત્યારે કેટલાક લઘુમતી કોમના યુવકો કોઈને પણ જાણ થાય નહીં તે રીતે ચૂપચાપ વસવાટ કરી રહ્યા હતા. મેઘાણીનગર વિસ્તારમાં ભાર્ગવ રોડ પર આવેલી ભગવતી સ્કૂલ સામે શ્યામનગરની ચાલી આવેલી છે જેના ચાર મકાનમાં ૧પથી વધુ લઘુમતી કોમના યુવકો ભાડા કરાર વગર રહેતા હતા.
આ તમામ યુવકો ચૂપચાપ પોતાના કામ ઉપર જતા હતા અને રાતે આવીને સૂઈ જતાં હતા. સ્થાનિક લોકોને યુવકો પર શંકા ગઈ હતી. જેથી તેમણે તપાસ કરી હતી. તપાસ કરતાં સામે આવ્યું હતું કે, યુવકો લઘુમતી કોમના છે અને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. મેઘાણીનગર વિસ્તારમાં લઘુમતી કોમના યુવકો રહેતા હોવાનો મામલો બજરંગદળના કાર્યકર્તાઓ સુધી પહોંચ્યો હતો.
ગઈકાલે રાતે બજરંગદળના ૧૦૦થી વધુ કાર્યકરો પોલીસની ટીમને લઈ ભાર્ગવ રોડ પર આવેલી શ્યામનગરની ચાલીમાં પહોંચી ગયા હતા અને ચાર મકાનમાં ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન યુવકો લઘુમતી કોમના હોવાથી તેમને મકાન ખાલી કરી દેવા માટે વિનંતી કરી હતી અને માહોલ ગરમાય નહીં તે માટે તમામ યુવકોએ પોતાનો સરસામાન બાંધી દીધો હતો ત્યારબાદ રિક્ષામાં બેસીને જતા રહ્યા હતા.
૧પથી વધુ યુવકોને મકાન ખાલી કરાવતાની સાથે જ મેઘાણીનગર વિસ્તાર જય શ્રીરામના નારા સાથે ગૂંજી ઉઠયો હતો. બજરંગદળના કાર્યકરોએ ભાડા કરાર કર્યા વગર મકાન ભાડે આપનાર બે લોકો વિરૂદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે ત્યારે હજુ મેઘાણીનગર વિસ્તારમાં બીજા લઘુમતી કોમના યુવકો રહેતા હશે તો વધુ કાર્યવાહી બજરંગદળ દ્વારા કરવામાં આવશે.
અમદાવાદ શહેરના બજરંગદળના અધ્યક્ષ દીનાકરન ઉર્ફે અન્ના ગ્રામીણે જણાવ્યું છે કે, બે દિવસ પહેલાં ૧પથી વધુ યુવકોને મકાન ખાલી કરી દેવા માટે જણાવ્યું હતું. જ્યારે તેમના મકાન માલિક સાથે પણ વાત કરી હતી. જો કે, યુવકોએ મકાન ખાલી નહીં કરતાં ગઈકાલે બજરંગદળના કાર્યકરોએ હલ્લાબોલ કરીને મકાન ખાલી કરાવી દીધા છે.