મહાકુંભમાં લાખો ભક્તોનો ધસારો, ૨૦ કિ.મી. સુધી ચક્કાજામ
(એજન્સી)પ્રયાગરાજ, ભારતની આસ્થાનું પ્રતીક મહાકુંભ મેળાનો આજે ૧૬મો દિવસ છે. આવતીકાલે અમાસ નિમિત્તે ત્રીજું શાહી સ્નાન યોજાશે, જેમાં ભાગ લેવા લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે. સંગમથી ૨૦ કિમી સુધી ચક્કાજામ થયો છે. રસ્તાઓ, ગલીઓ માનવ મહેરામણથી ઉભરાઈ છે. શ્રદ્ધાળુઓ પોલીસ દ્વારા ઊભા કરવામાં આવેલા બેરિકેડિંગ તોડી પ્રવેશી રહ્યા છે.
શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે લોકો પાર્કિંગ તથા છેક સ્ટેશનથી સંગમ સુધી પગપાળા આવવા મજબૂર બન્યા છે. પોલીસે ભીડને કાબૂમાં લેવા વિવિધ સ્થળોએ બેરિકેડ ઊભા કર્યા હતા. જો કે, ભીડ તેને તોડીને પ્રવેશ લઈ રહી છે. સંગમથી ૨૦ કિમી સુધીનો રસ્તો જામ થઈ ગયો છે.
અમાસના શાહી સ્નાન પહેલાં જ લાખોની સંખ્યામાં ઉમટી પડેલી ભીડમાં અવ્યવસ્થા અને અરાજકતા ન સર્જાય તે હેતુ સાથે કમિશ્નરે તમામ વિભાગોના અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવી હતી. ડીએમ, સીઆરપીએફ, આઇટીબીપી, પોલીસ, રેલવે પોલીસ વગેરે વિભાગોના અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત કરવા આદેશ અપાયો છે.
મેળામાં સુરક્ષા કર્મીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરા મારફત દેખરેખ રાખી રહ્યા છે. તેમજ શ્રદ્ધાળુઓને કાર મારફત પ્રયાગરાજ ન આવવા અપીલ થઈ છે. લોકોને પગપાળા શાહી સ્નાનમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. જેથી અવ્યવસ્થા ન સર્જાય. મહાકુંભના મેળામાં ૪૫ કરોડથી વધુ શ્રદ્ધાળુ આવવાનો અંદાજ છે.
મૌની અમાસના શાહી સ્નાન કારણે ઉમટી પડેલી ભીડને ધ્યાનમાં રાખતાં અલ્હાબાદ હાઇકોર્ટે ૨૮થી ૩૦ જાન્યુઆરી સુધી રજા જાહેર કરી છે.
રજિસ્ટ્રાર જનરલ રાજીવ ભારતીના નોટિફિકેશન અનુસાર, આ રજા માત્ર પ્રયાગરાજ સ્થિત હાઇકોર્ટ માટે જ છે. તેના સ્થાને તે ૧૭ મે, અને ૨૩ આૅગસ્ટના રોજ ચાલુ રહેશે. કેટની પ્રયાગરાજ સ્થિત આૅફિસ પણ ૨૮થી ૩૦ જાન્યુઆરી સુધી બંધ રહેશે. તેના સ્થાને તે ૫, ૨૬ એપ્રિલ અને ૩ મેના રોજ કામ કરશેટ્ઠ