દલાલ મારફત લગ્ન કરવા યુવકને ભારે પડ્યાઃ 3 લાખ લઈ દુલ્હન ફરાર
મામવાડાના દલાલે અમદાવાદની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા ઃ સાસરિયાઓ મકાનને તાળુ મારી ભાગી ગયા
છાપી, વડગામ તાલુકાના ગામના યુવક સાથે અમદાવાદની યુવતીએ દલાલ મારફત લગ્ન કરી ટૂંકા ગાળામાં સાસરેથી ફરાર થઈ જતા પીડિત યુવકે વડગામ પોલીસ મથકે દુલ્હન તેમજ તેના માતા-પિતા અને દલાલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
વડગામ તાલુકાના ગામના યુવકના લગ્ન ન થતા યુવકે મામવાડાના દલાલ પ્રવીણસિંહ પ્રતાપજી રાજપૂતનો સંપર્ક કરતા તેણે અમદાવાદના નરોડામાં રહેતી કિંજલ સાથે ત્રણ માસ પૂર્વે રૂ.ત્રણ લાખ આપવાની શરતે અમદાવાદની બ્રહ્માણી મેરેજ બ્યુરોમાં હિન્દુ શાસ્ત્રોથી લગ્ન કરાવ્યા હતા. લગ્ન કરી યુવક જીવનસાથી સાથે ઘરે આવ્યો હતો ત્યારબાદ પત્નિ પિયર ગઈ હતી બાદ ફરી સાસરે આવી હતી.
થોડા દિવસ બાદ સાસુનો ફોન આવેલ અને કહેલ કે અમારા સંબંધી બીમાર છે. જેથી કિંજલને મોકલો જેથી પતિએ કિંજલને અમદાવાદ મોકલી હતી. જોકે સમય જતાં પત્ની પરત ન આવતા પતિએ સાસુ-સસરા સહિત પત્નીને ફોન કરતા ફોનની સ્વીચ બંધ આવતા અમદાવાદ ગયો હતો.
જોકે અમદાવાદમાં રહેતા સાસરિયાઓના મકાનને તાળું મારેલ હતું જેથી યુવક સાથે છેતરપીંડી થયાનું માલુમ પડતા યુવકે લુંટેરી દુલ્હન સાસુ, સસરા તેમજ દલાલ વિરૂદ્ધ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કોની કોની સામે ફરિયાદ નોંધાઈ, પ્રવીણસિંહ પ્રતાપજી રાજપૂત (રહે. મામવાડા, તા.સિદ્ધપુર, જી. પાટણ), કિંજલબેન મહેન્દ્રભાઈ પટેલ (રહે. નરોડા, તા.અમદાવાદ), મહેન્દ્રભાઈ કાલિદાસ પટેલ (રહે. નરોડા) અને સારીકાબેન મહેન્દ્રભાઈ પટેલ (રહે. નરોડા)નો સમાવેશ થાય છે.