PM મોદીએ પાકિસ્તાનના ‘મિત્ર’ તૂર્કિયેને ઘેરવાની તૈયારીઓ કરી?

File Photo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાયપ્રસની મુલાકાત લેશે
(એજન્સી)સાયપ્રસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાયપ્રસની મુલાકાત લેશે. તેઓ આવું કરનારા દેશના ત્રીજા વડાપ્રધાન હશે. સાયપ્રસ બાદ પીએમ મોદી જી૭ સમિટ માટે કેનેડાની મુલાકાત લેશે. એ પછી સ્વદેશ પરત ફરતી વખતે તેઓ ક્રોએશિયાની પણ મુલાકાત લેશે. PM Modi to Visit Cyprus Amid Turkey-Pakistan Solidarity
ભારત યુરોપમાં તેની ભૂમિકા વધારવા માંગે છે અને આ તેમના પ્રવાસ કાર્યક્રમોમાં પણ જોવા મળી રહ્યું છે. સાયપ્રસ અને ક્રોએશિયા બંને યુરોપિયન યુનિયનના સભ્યો છે. સાયપ્રસ આવતા વર્ષના પ્રથમ છ મહિના માટે યુરોપિયન યુનિયન કાઉન્સિલની અધ્યક્ષતા પણ કરશે.
સાયપ્રસ મુલાકાતનું મહત્વ: સાયપ્રસ અને તુર્કી વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલુ છે. પીએમ મોદીની આ મુલાકાત તુર્કીને સ્પષ્ટ સંદેશો આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
તુર્કી-પાકિસ્તાન મૈત્રી: તાજેતરમાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ સાથે ઇસ્તાંબુલમાં મુલાકાત કરી હતી. બંને દેશોએ સંરક્ષણ, ઊર્જા અને પરિવહન ક્ષેત્રે સહયોગ વધારવાની ચર્ચા કરી હતી.
મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચે તીવ્ર તણાવ સર્જાયો હતો. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદી હુમલા બદલ ભારત વધુ કડક પગલાં લેશે.
ઇન્ડો-પાક સંઘર્ષ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફને ફોન કરીને તુર્કીની એકતાનો સંદેશો આપ્યો હતો.
અગાઉ, પીએમ મોદી ગયા મહિને ક્રોએશિયાની મુલાકાત લેવાના હતા. આ સાથે તેઓ નેધરલૅન્ડ અને નોર્વેની પણ મુલાકાત લેવાના હતા. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે આ મુલાકાત રદ કરવામાં આવી હતી.
જી૭ સમિટ આગામી તા. ૧૫થી ૧૭ જૂન દરમિયાન કેનેડાના આલ્બર્ટામાં યોજાનાર છે. વડાપ્રધાન તેના છેલ્લા દિવસે એક ખાસ સત્રમાં ભાગ લેશે. કેનેડા તરફથી અચાનક આમંત્રણ મળતાં વડાપ્રધાનનો સંપૂર્ણ કાર્યક્રમ હજુ નક્કી થયો નથી. પરંતુ, સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે દ્વિપક્ષીય બેઠકો યોજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તુર્કી અને સાયપ્રસ વચ્ચેનો સંઘર્ષ : ગ્રીક નેતૃત્વ હેઠળના બળવાના જવાબમાં 1974માં સાયપ્રસ પર તુર્કીના આક્રમણથી તુર્કી અને સાયપ્રસ વચ્ચેનો સંઘર્ષ શરૂ થયો હતો. આ આક્રમણથી ટાપુનું વિભાજન થયું અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ટર્કિશ રિપબ્લિક ઓફ નોર્ધન સાયપ્રસ (TRNC) ની સ્થાપના થઈ. તુર્કી રિપબ્લિક ઓફ સાયપ્રસના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) પર પણ વિવાદ કરે છે, જે પોતાના અને TRNC માટે એક ભાગનો દાવો કરે છે, જેના કારણે કુદરતી સંસાધનો પર દરિયાઇ વિવાદ થયો.