Western Times News

Gujarati News

8 વર્ષે અમેઝોનના બેઝોસને પછાડી ઓરેકલના એલિસન વિશ્વના બીજા સૌથી ધનિક

ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં મસ્ક ટોચના સ્થાને

આ સપ્તાહની શરૂઆતમાં મસ્કની કુલ સંપત્તિમાં ૧૯.૧ કરોડ ડોલરનો મોટો ઉછાળો આવ્યો હતો અને તેમની સંપત્તિ ૪૧૧.૪ અબજ ડોલર થઈ હતી

નવી દિલ્હી, એમેઝોનના સ્થાપક અને ભૂતપૂર્વ સીઈઓ જેફ બેઝોસને આઠ વર્ષ બાદ પાછળ રાખીને ઓરેકલના લેરી એલિસનને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ મેફ્રવ્યું છે. ગુરુવાર, ૧૨ જૂને એલિસનની કુલ નેટવર્થમાં ૨૬ અબજ ડોલરનો ઉછાળો આવ્યો હતો અને તેમની કુલ સંપત્તિ ૨૪૩ અબજ ડોલર થઈ હતી.

૧૨ જૂને તેમની સંપત્તિમાં થયેલો વધારો કોઈપણ અબજોપતિની સંપત્તિમાં એક દિવસમાં થયેલો સૌથી મોટો વધારો હતો, એમ ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની યાદીમાં જણાવાયું હતું. એમેઝોનના જેફ બેઝોસની કુલ સંપત્તિ ૨૨૭ અબજ ડોલર છે, જ્યારે મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગની સંપત્તિ ૨૩૯ અબજ ડોલર છે.

વિશ્વના અબજોપતિની આ યાદીમાં ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કે ૪૦૭ અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં ઓરેકલના બ્લોકબસ્ટર નાણાકીય રિઝલ્ટના પગલે એલિસનની સંપત્તિમાં ઉછાળો આવ્યો હતો.

કંપનીના રિઝલ્ટ પછી તેના શેરનો ભાવ પહેલી વાર ૨૦૦ ડોલરની સપાટી વટાવી ગયો હતો. ઓરેકલે મેમાં પૂરા થતાં ક્વાર્ટરમાં ધારણા કરતાં વધુ આવક અને નફો નોંધાવ્યો હતો. જેફ બેઝોસ ૨૦૧૭માં પહેલી વાર વિશ્વના બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ બન્યાં હતાં. ૨૦૧૭માં એમેઝોનના શેરમાં ઉછાળાને પગલે તેમની સંપત્તિ વધીને ૭૫.૬ અબજ ડોલર થઈ હતી.

તે સમયે ઈ-કોમર્સ કંપનીના આ સ્થાપકે રોકાણકાર વોરેન બફેટને પાછળ છોડી દીધાં હતાં. બેઝોસે ઓક્ટોબર ૨૦૨૪માં વિશ્વના બીજા ક્રમના સૌથી ધનિકનો ખિતાબ ગુમાવ્યો હતો અને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ તેમના સ્થાને આવી ગયા હતાં. તે સમયે ઝકરબર્ગ કુલ સંપત્તિ ૭૮ અબજ વધીને ઇં૨૦૬.૨ અબજ થઈ હતી, જે બેઝોસની ૨૦૫.૧ અબજ ડોલરની નેટવર્થને વટાવી ગઇ હતી.

આ સપ્તાહની શરૂઆતમાં મસ્કની કુલ સંપત્તિમાં ૧૯.૧ કરોડ ડોલરનો મોટો ઉછાળો આવ્યો હતો અને તેમની સંપત્તિ ૪૧૧.૪ અબજ ડોલર થઈ હતી. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર ટીકા કરતી સોશિયલ મીડિયા પોસ્ટ્‌સ માટે જાહેરમાં મસ્કે દિલગીરી વ્યક્ત કર્યા પછી તેમની સંપત્તિ વધી હતી.

x પર પોસ્ટ પરની માફી પછી મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર ટૂંકી વાતચીત પણ થઈ હતી અને તેનાથી બંને વચ્ચે સુલેહનો સંકેત મળ્યો હતો. મસ્કે સરકારી હોદ્દા પરથી રાજીનામું આપીને ટ્રમ્પની જાહેરમાં આકરી ટીકા કર્યા પછી બંને વચ્ચે મોટો વિવાદ થયો હતો. મસ્કે ટ્રમ્પના બિગ બ્યૂટીફૂલ બિલને ધ બિગ અગ્લી બિલ ગણાવ્યું હતું.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.