હોસ્ટેલમાં રહેતા ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ ડરના લીધે ઘરે જતાં રહ્યા

મેસ બિલ્ડીંગ તુટી પડતા વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટસ ડોક્ટર તથા ઈન્ટર્નને જમવાની મુશ્કેલી ઉભી થઈ છે
પ્લેન ક્રેશની ઘટના બાદ મેડિકલની વિવિધ પરીક્ષાઓ રદ કરવામાં આવી
અમદાવાદ,મેસ બિલ્ડીંગ અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પૈકી ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ પ્લેન ક્રેશની ઘટના બાદ ડરના લીધે પોતાના ઘરે જતાં રહ્યા છે. વિદ્યાર્થીઓ ખુબ જ આઘાતમાં સરી પડ્યા હોવાથી હૂંફ માટે ઘરે ગયા હોવાનું જાણવા મળે છે. જેમાં મોટાભાગના પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓ આઘાતમાં હોવાથી બી.જે. મેડિકલ કોલેજ દ્વારા હાલમાં ચાલતી અને આગળની તમામ થીયરી તથા પ્રેક્ટિકલ ઈન્ટરનલ પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે.
જ્યારે મેડિકલ શિક્ષકોનું વેકેશન પણ રદ કરી દેવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા MBBSના વિદ્યાર્થીઓની હાલમાં ચાલતી અને આગામી દિવસોમાં શરૂ થનારી થિયરી અને પ્રેક્ટિકલની ઈન્ટરનલ પરીક્ષાઓ હાલ કેન્સલ કરી દેવામાં આવી છે.
આમ, હવે જ્યાં સુધી નવી સુચનાઓ જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી પરીક્ષા રદ કરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું છે. MBBSના પ્રથમ અને બીજા વર્ષની ઈન્ટરનલ પરીક્ષાઓ લેવાનાર હતી, પરંતુ પ્લેન ક્રેશની ઘટના બાદ આ પરીક્ષાઓ રદ કરવામા આવી છે. જેથી હવે કોલેજ દ્વારા આગામી દિવસોમાં પરીક્ષાને લઈને નવી તારીખો જાહેર કરવામાં આવશે. મેડિકલ સ્ટુડન્ટની હોસ્ટેલ અને મેસ પર પ્લેન ક્રેશની ઘટના બાદ હોસ્ટેલમાં રહેનારા વિદ્યાર્થીઓમાંથી ૨૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ આઘાતમાં સરી પડ્યા હોવાથી ઘરે જતાં રહ્યા છે.
ઘટના બની તે વખતે ત્યાં ૪૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા અને ઘટનાના પગલે ખુબ જ ડરી ગયા હતા અને આઘાતમાં સરી પડ્યા હતા.
જેથી મોટાભાગના વિદ્યાર્થીઓ ડરના લીધે ઘરે જતાં રહ્યા છે. પ્લેન ક્રેશની ઘટનાના પગલે મેડિકલ સેવાઓની જરૂરીયાતને ધ્યાને લેતા બી.જે. મેડિકલ કોલેજ દ્વારા તમામ મેડિકલ શિક્ષકોનું ઉનાળું વેકેશન પણ રદ કરી દેવામાં આવ્યું છે. ૧૩ જૂનથી બીજા તબક્કાનું ઉનાળું વેકેશન શરૂ થતું હતું, પરંતુ પ્લેન ક્રેશની ઘટના બાદ વેકેશન રદ કરાયું છે અને શનિવારથી શિક્ષકો- ડોક્ટરોને ફરજ પર હાજર થવા માટે જણાવાયું છે. હાલમાં મેસ બિલ્ડીંગ તુટી પડતા વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટસ ડોક્ટર તથા ઈન્ટર્નને જમવાની મુશ્કેલી ઉભી થઈ છે. SS1