ગાઝામાં સેના મોકલનારા 5 દેશોમાં પાકિસ્તાનને સામેલ ન કરાતા પાક. આકાઓને ઝટકો
File
(એજન્સી) વોશિંગ્ટન, અમેરિકાના વોશિંગ્ટન ખાતે નવા નામકરણ પામેલા ડોનાલ્ડ જે. ટ્રમ્પ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસમાં બોર્ડ ઓફ પીસની પ્રથમ ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાના નવનિર્માણ માટે ૧૦ અબજ ડોલર આપવાની જાહેરાત કરી છે.
આૅક્ટોબરમાં થયેલા યુદ્ધવિરામ બાદ હવે ગાઝામાં શાંતિ સ્થાપવા અને સુરક્ષા જાળવવા માટે એક આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ દળ બનાવવામાં આવી રહ્યું છે. આ સુરક્ષા દળનું નેતૃત્વ અમેરિકાના મેજર જનરલ જેસ્પર જેફર્સ કરશે. ગાઝામાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે કુલ ૨૦,૦૦૦ સૈનિકોના આંતરરાષ્ટ્રીય દળની જરૂરિયાત છે,
જેમાં મુસ્લિમ દેશો અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. વિશ્વના સૌથી મોટા મુસ્લિમ બહુલ દેશ ઇન્ડોનેશિયાએ સૌથી વધુ ૮,૦૦૦ સૈનિકો મોકલવાની જાહેરાત કરીને આ મિશનમાં મોટો ફાળો આપ્યો છે, જેના માટે ટ્રમ્પે ઇન્ડોનેશિયાના પ્રમુખ પ્રબોવો સુબિયાંતોની વિશેષ પ્રશંસા કરી હતી. આ ઉપરાંત મોરોક્કો, અલ્બેનિયા, કઝાકિસ્તાન અને કોસોવો જેવા દેશો પણ સૈનિકો અને પોલીસ અધિકારીઓ મોકલવા સંમત થયા છે.
જોકે, આ યાદીમાં પાકિસ્તાનનું નામ ન હોવું એ તેના માટે મોટો ઝટકો માનવામાં આવે છે, કારણ કે પાકિસ્તાન આ દળનું નેતૃત્વ કરવાની આશા રાખતું હતું. હમાસના નિશસ્ત્રીકરણના મુદ્દે પાકિસ્તાનના અસ્પષ્ટ વલણને કારણે હાલમાં તેને આ મુખ્ય પ્રક્રિયાથી અલગ રાખવામાં આવ્યું હોય તેમ જણાય છે.
