Western Times News

Gujarati News

આશ્રમ બહાર પાર્ક કરેલી GSRTC બસમાંથી 100 લિટર ડીઝલની ચોરી! જાણભેદૂ હોવાની શંકા?

GSRTC st bus gujarat

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને લૂંટફાટની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારો બાદ હવે તસ્કરોએ સરકારી મિલકતોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.

તાજેતરમાં બોપલ વિસ્તારમાં આવેલા લાલગેબી આશ્રમના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાંથી તસ્કરો નિર્ભય બનીને આશરે ૧૦૦ લિટર જેટલું ડીઝલ ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાની વિગત મુજબ, એસ.ટી. ડ્રાઈવર પરસોત્તમકુમાર બારીયાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત ૨૧ ફેબ્રુઆરીએ તેઓ સુરત-અમદાવાદ-બોપલ રૂટની બસ લઈને આવ્યા હતા.

રાત્રિ રોકાણ માટે તેમણે લાલગેબી આશ્રમ પાસે બસ પાર્ક કરી હતી અને પોતે બસની બાજુમાં આવેલા ઓટલા પર સુઈ ગયા હતા. વહેલી સવારે જ્યારે તેઓ બસ શરૂ કરવા માટે જાગ્યા ત્યારે જોયું તો બસની ડીઝલ ટાંકીનું ઢાંકણ તૂટેલી હાલતમાં હતું. તપાસ કરતા માલૂમ પડ્‌યું કે તસ્કરોએ ટાંકી અને સેન્સરનું લોક તોડી નાખ્યું હતું અને તેમાંથી આશરે ૧૦૦ લિટર ડીઝલ કાઢી લીધું હતું.

બસમાં ડીઝલનો કાંટો નીચે ઉતરી ગયેલો જોઈ ડ્રાઈવર અને કંડક્ટર ચોંકી ઉઠ્‌યા હતા. આ અંગે તાત્કાલિક સાણંદ ડેપો અને સુરતની કચેરીએ જાણ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં બોપલ પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે.

અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં જ્યાં ‘સ્માર્ટ સીટી’ ના નામે ઠેર-ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને ૨૪ કલાક પોલીસ પેટ્રોલિંગના દાવા કરવામાં આવે છે, ત્યાં આ પ્રકારની ચોરી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે. ભરચક વિસ્તારમાં તસ્કરો તોડફોડ કરીને ડીઝલ ચોરી જાય તે પોલીસની ઢીલી નીતિ દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.