Western Times News

Gujarati News

પશુ ભાંભરતા હોવાનું સાંભળી પૂજારીએ બૂમો પાડતા વાછરડાં ચોરવા આવેલા તસ્કરો નાસી છૂટ્યા

AI Image

અડાલજ નજીક લકઝુરિયસ કારમાં આવેલી ગેંગ વાછરડાની ચોરી કરી ફરાર

ગાંધીનગર, ગાંધીનગરમાં પશુચોર ટોળકી બેફામ બની લકઝુરિયસ કારમાં પશુઓની ચોરી કરતી હોવાના બનાવોથી જિલ્લાના પશુપાલકોને પોતાના દૂધાળા ઢોર ચોરાઈ જવાનો ભય સતાવી રહ્યો છે અને ગ્રામજનોમાં રોષ પ્રવર્તે છે.

અડાલજ પાસેના શનિદેવ મંદિર સામે મધરાતે લકઝુરિયસ કારમાં પશુ ચોરી જતી ગેંગ આવી હતી અને વાછરડાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. અડાલજમાં મંદિરની સામે રાત્રે એક સફેદ કલરની લકઝુરિયસ કારમાં આવેલા તસ્કરોએ વારછાડાઓને ગાડીમાં ભરવાનું શરૂ કર્યું હતું જેના લીધે પશુઓ ભાંભરવા લાગ્યા હતા. પશુ ભાંભરતા હોવાનો અવાજ આવતા મંદિરના પૂજારી જાગી ગયા હતા.

પશુને ઉઠાવી જવાતા હોવાનું દ્રશ્ય જોઈ પૂજારીએ બૂમાબૂમ કરતા તસ્કરો ગભરાઈ ગયા હતા, પરંતુ એક વાછરડું કારમાં ભરી પૂરપાટ ઝડપે નાસી છૂટયા હતા. આ અંગે અડાલજ પોલીસ મથકે જાણ કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગાંધીનગર- મહેસાણા હાઈવે પર પશુની ગેરકાયદેસર હેરાફેરી કરી રહેલું એક પિકઅપ ડાલું અચાનક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ ડાલામાં લાકડાના પાટિયા વડે બે માળ બનાવીને ર૭ જેટલા પાડા-પાડીને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહ્યા હતા. આ અકસ્માતમાં ૬ અબોલ પશુના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા.

આ બનાવ બાદ ગૌરક્ષકો અને વાહનના ચાલક વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. જેના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી એક બીજી જિલ્લામાંથી પશુની ગેરકાયદે હેરાફેરી થતી હોવાનું પણ સામે આવ્યું છે તેમજ પશુને ટ્રક ટેમ્પોમાં દોરડાથી બાંધીને કતલખાને લઈ જવાતા હોવાના બનાવો પણ બનતા હોવાનો આક્ષેપ ગૌરક્ષકો દ્વારા અનેક વખત કરવામાં આવ્યો છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.