Western Times News

Gujarati News

અમેરિકાએ નાગરિકોને ઈઝરાયેલ છોડવા કહ્યુંઃ ઈરાન પર ગમે ત્યારે હુમલો સંભવ

તેલ અવિવ, અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ વચ્ચે જીનેવામાં ઈરાન પર પરમાણુ નિયંત્રણ અંગે યોજાયેલી બેઠકનું કોઈ પરિણામ નહીં આવતાં મધ્ય-પૂર્વમાં યુદ્ધની શક્યતાઓ વધી છે.

અમેરિકા ગમે તે ક્ષણે ઈરાન પર હુમલો કરે તેવી પ્રબળ સંભાવનાઓને પગલે ઈઝરાયેલ સ્થિત અમેરિકન દૂતાવાસે તેના કર્મચારીઓને દેશ છોડી જવા અપીલ કરી છે. આની સાથે સાથે અન્ય લોકો પણ વેળાસર ઇરાન છોડી દે તેવી વિનંતિ પણ કરી છે. બીજી બાજુ ચીન અને કેનેડાએ યુદ્ધની શક્યતાઓ વધતાં તેના નાગરિકોને વેળાસર ઈરાન છોડી દેવાની સૂચના આપી છે.

અગાઉ ભારત અને પોલેન્ડ સહિતના યુરોપના કેટલાંક દેશોએ પણ પોતાના નાગરિકો માટે આ પ્રકારની સૂચના જારી કરી હતી. ઈઝરાયેલ સ્થિત અમેરિકન રાજદૂત માઈક હુકાબીએ દૂતાવાસના કર્મચારીઓને કરેલાં એક ઈમેલમાં વોશિંગ્ટન સ્થિત અધિકારીઓ સાથે થયેલી ચર્ચાનો ઉલ્લેખ કર્યાે હતો.

આ ચર્ચા બાદ તેમણે જે કર્મચારીઓ ઈઝરાયેલ છોડી સ્વદેશ પરત જવા માગતા હોય તેમને તેમ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, જે લોકો ઈઝરાયેલ છોડવા માટેની સત્તાવાર મંજૂરી (ઓથોરાઈઝ્ડ ડીપાર્ચર) લેવા ઈચ્છતા હોય તેમણે આજે જ તે માટે કાર્યવાહી કરી દેવી. ઈમેલમાં દૂતાવાસના કર્મચારીઓને શક્ય તેટલી ઝડપથી જે મળે તે ફ્લાઈટમાં બેસી ઈઝરાયેલ છોડવા વિનંતી કરાઈ છે.

ઈમેલમાં જણાવ્યાં અનુસાર, આગામી દિવસોમાં ઈઝરાયેલથી બહાર જતી ફ્લાઈટ મળે પણ ખરી અને ના પણ મળે. જોકે હુકાબીએ જણાવ્યું હતું કે, ગભરાવાની જરૂર નથી, પરંતુ જે લોકો ઈઝરાયેલ છોડવા ઈચ્છતા હોય તેમણે સત્વરે આ અંગે આયોજન કરી લેવું.

નેધરલેન્ડ્‌સની કેએલએમ સહિતની કેટલીક એરલાઈન્સે તો તેલ અવિવના બેન ગુરિયન ઈન્ટરનેશનલ એરપોટ્‌ર્સ પર વિમાની સેવા બંધ કરવાની જાહેરાત પણ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ પણ ઈઝરાયેલમાં કાર્યરત તેના અધિકારીઓના તમામ પરિવારજનોને ઈઝરાયેલ છોડવાની સૂચના જારી કરી દીધી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.