Western Times News

Gujarati News

ખામેનેઈના ઠેકાણાની ઓળખ થતા જ ઇઝરાયેલે ૩૦ બોમ્બ ફેંક્યા

ઈરાને યુદ્ધની તૈયારી કરી રાખી હતી, તેમ છતાં ઇઝરાયેલ આ હુમલામાં ‘ટેક્ટિકલ સરપ્રાઈઝ’ મેળવવામાં સફળ રહ્યું

અમેરિકાની CIAની મહિનાઓથી ખામેનેઈની હિલચાલ પર નજર હતી

તેલ અવીવ,અમેરિકાની કેન્દ્રીય ગુપ્તચર એજન્સી સીઆઈએ ઘણા મહિનાઓથી અયાતુલ્લા ખામેનેઈની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. આ સમયમાં સીઆઈએ એ ખામેનેઈની દિનચર્યાની પેટર્ન સમજી લીધી હતી. સીઆઈએને જાણવા મળ્યું કે શનિવારની સવારે તેહરાનના મહત્વપૂર્ણ સંકુલમાં ઈરાનના ટોચના અધિકારીઓની બેઠક યોજાવાની છે અને તેમાં ખામેનેઈ પોતે હાજર રહેવાના હતા. આ ઇનપુટ સીઆઈએ દ્વારા ઈઝરાયેલને આપવામાં આવ્યો હતો. સીઆઈએની નજરમાં આ માહિતી ‘સંપૂર્ણપણે સચોટ’ હતી.

મૂળ યોજના મુજબ, અમેરિકા અને ઇઝરાયેલ રાતના અંધારામાં હુમલો કરવાના હતા, પરંતુ જેવી સીઆઈએને ‘સંપૂર્ણપણે સચોટ’ બેઠકની માહિતી મળી, બંને દેશોએ સમય બદલવાનો નિર્ણય લીધો. ઈરાનના રાષ્ટ્રપતિ કાર્યાલય, સર્વાેચ્ચ નેતાની ઓફિસ અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ, ત્રણેય એક જ સંકુલમાં છે. તેથી હુમલાનો સમય બદલીને શનિવાર સવારનો કરવામાં આવ્યો હતો.ઇઝરાયેલમાં સવારે લગભગ ૬ વાગ્યે લડાયક વિમાનોએ પોતાના મથકો પરથી ઉડાન ભરી હતી. હુમલામાં વિમાનોની સંખ્યા પ્રમાણમાં ઓછી હતી, પરંતુ તેઓ લાંબા અંતરની અને અત્યંત સચોટ મિસાઇલોથી સજ્જ હતા.

વિમાનોના ઉડાન ભર્યાના બરાબર બે કલાક ને પાંચ મિનિટ પછી, તેહરાનના સમય મુજબ સવારે લગભગ ૯ઃ૪૦ વાગ્યે, મિસાઇલો તે અત્યંત સુરક્ષિત સરકારી સંકુલ પર ત્રાટકી હતી. ઇઝરાયેલી સંરક્ષણ અધિકારીએ પાછળથી જણાવ્યું કે ઈરાને યુદ્ધની તૈયારી કરી રાખી હતી, તેમ છતાં ઇઝરાયેલ આ હુમલામાં ‘ટેક્ટિકલ સરપ્રાઈઝ’ મેળવવામાં સફળ રહ્યું.એક ઇમારતમાં ઈરાનના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ બેઠા હતા, જ્યારે ખામેનેઈ તે જ સંકુલની એક અલગ પણ નજીકની ઇમારતમાં હતા. અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર, ખામેનેઈના ઠેકાણાની ઓળખ થતા જ ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ તે સંકુલ પર ૩૦ બોમ્બ ફેંક્યા હતા.

ગત વર્ષના ૧૨ દિવસના યુદ્ધમાંથી અમેરિકાએ જાણી લીધું કે દબાણની સ્થિતિમાં ખામેનેઈ અને આઈઆરજીસી કેવી રીતે સંવાદ સાધે છે અને કેવી રીતે હિલચાલ કરે છે. તેનો ઉપયોગ કરીને અમેરિકાએ ખામેનેઈની ગતિવિધિઓની દેખરેખ અને તેમના આગામી પગલાનું અનુમાન લગાવવાની ક્ષમતાને વધુ ધારદાર બનાવી. એટલે જ જૂન મહિનામાં પણ આ નેટવર્કના આધારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યાે હતો કે અમેરિકા જાણે છે કે ખામેનેઈ ક્યાં છુપાયેલા છે. ત્યારથી આ માહિતી વધુ સચોટ બનતી ગઈ હતી.

ઈરાનના ટોચના નેતાઓએ પોતાની જાતને બચાવવા માટે પૂરતી સાવચેતી નહોતી રાખી, જ્યારે ઇઝરાયેલ અને અમેરિકા બંનેએ અગાઉથી સ્પષ્ટ સંકેતો આપી દીધા હતા કે તેઓ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. આવા નાજુક સમયે આટલા વરિષ્ઠ અધિકારીઓનું એક જ જગ્યાએ એકત્ર થવું અને ખામેનેઈનું તે જ સંકુલમાં હાજર રહેવું એક ઘાતક વ્યૂહાત્મક ભૂલ સાબિત થઈ. મૂળ યોજના એવી હતી કે ખામેનેઈ શનિવારની સાંજે તેહરાનમાં આ બેઠક કરશે, પરંતુ ઇઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદે પણ અંદાજો લગાવી લીધો કે બેઠકનો સમય બદલીને શનિવાર સવારનો કરી દેવામાં આવ્યો છે.

આ એક માહિતી પૂરતી હતી. હુમલાનો આખો સમય આગળ લંબાવી દેવામાં આવ્યો અને તેહરાનને તે ફેરફારની જાણ પણ ન થઈ. ખામેનેઈએ કદાચ વિચાર્યું હશે કે સમય બદલવાથી તેઓ સુરક્ષિત રહેશે, પરંતુ એવું થયું નહીં.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.