Western Times News

Gujarati News

યુદ્ધની પરિસ્થિતિને લઈને રમઝાનમાં ઉમરાહ માટે બુકિંગ કરાવનારા બિરાદરો અસમંજસમાં

File Photo

અનેક બિરાદરોએ બચત કરીને રમઝાનના અંત ભાગમાં ઉમરાહ માટે આયોજન કર્યું હતું

મક્કાથી જેદ્દાહ પહોંચ્યા બાદ બ્લાસ્ટ થતાં ફરીથી મક્કા જવું પડ્યું, હવે પરિસ્થિતિ શાંત થાય તેની રાહ જોવાની

અમદાવાદ , સમગ્ર ખાડી દેશોમાં સહિત મીડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને લઈને પવિત્ર રમઝાન માસમાં ઉમરાહ માટે બુકિંગ કરાવનારા મધ્યમવર્ગના બિરાદરો અસમંજસમાં છે. આ ઉપરાંત ઉમરાહ માટે મક્કા-મદીના પહોંચી ગયેલા એક હજારથી વધુ લોકો પરિસ્થિતિ શાંત થાય તેની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદની એક ટૂર ઉમરાહ કરી પરત જેદ્દાહ એરપોર્ટ પર પહોંચી અને બ્લાસ્ટ થતા જ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું. ટૂર ઓપરેટરે હાલ તમામ યાત્રીઓને પરત મક્કા લઈ ગયો છે. હવે પરિસ્થિતિ શાંત પડે ત્યાં સુધી તેમને મક્કામાં જ રહેવું પડશે.

જેનો ખર્ચ પણ મુસાફરોના ખિસ્સા પર પડશે.અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર હુમલો કરીને સેંકડો બોમ્બ અને રોકેટમારો ચલાવ્યો છે. જેના વળતા પ્રહારમાં ઇરાને પણ ઇઝરાયેલ પર હુમલો કરવાની સાથે સમગ્ર ગલ્ફ દેશોમાં અમેરિકાના ઠેકાણાં પર હુમલા કરી દીધા છે, જેને લઈને સાઉદી અરેબિયા, દુબઈ, શારજાહ, અબુધાબી અને કુવૈત સહિતના એરપોર્ટ હાલ બંધ થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં જે લોકો પવિત્ર રમઝાન માસમાં ઉમરાહ માટે સાઉદી અરેબિયા ગયા છે તેઓ ફસાયા છે. જ્યારે મધ્યમવર્ગના જે બિરાદરોએ હોટલો અને અન્ય બુકિંગ કરાવ્યા હતા, તેમને પણ હવે બુકિંગ રદ થતાં મોટું નુકસાન થવાની સંભાવના છે.

બીજી તરફ અમદાવાદ અને ગુજરાતની ઘણી ટૂર હાલ સાઉદી અરેબિયામાં છે અને તેઓ પરિસ્થિતિ શાંત પડે તેની રાહ જોઈ રહ્યા છે. ટૂર ઓપરેટર સલીમભાઈ શેખના જણાવ્યા મુજબ અમદાવાદની ટૂરના યાત્રીઓ મક્કાથી ઉમરાહ કરીને જેદ્દાહ આવી ગયા હતા. ત્યારે જ ત્યાં બ્લાસ્ટ થયો. તરત જ ઓપરેટરે ટૂરને પરત મક્કા સલામત રીતે લઈ લીધી હતી. હવે તમામ યાત્રીઓ મક્કામાં રોકાયા છે. આ વધારાના રોકાણનો ચાર્જ પણ યાત્રીઓએ ચૂકવવાનો થયો છે. અનેક બિરાદરોએ બચત કરીને રમઝાનના અંત ભાગમાં ઉમરાહ માટે આયોજન કર્યું હતું.

તેવા બિરાદરોએ વિઝા માટેના ૧૫ હજાર ચૂકવી દીધા છે. વિમાની ટિકિટ બુક કરાવી દીધી હોય છે. એરપોર્ટથી મક્કા જવા માટે વાહનનું ભાડું એડવાન્સમાં ચૂકવી દીધું હોય છે. જ્યારે રોજના ૧૩ હજારથી લઈને ૫૦ હજાર રૂપિયા (મક્કા શરીફની નજીકની હોટલના વધુ ચાર્જ) (શેરિંગમાં) હોટલ બુક કરાવી તેનું પણ પેમેન્ટ કરી દીધું હોય છે. હવે જ્યારે યુદ્ધની પરિસ્થિતિમાં તેમનું જવું અનિશ્ચિત છે, માટે વિમાનની ટિકિટનું પેમેન્ટ રિફંડ મળી શકે તેના સિવાય કોઈ જ ચાર્જ રિફંડ મળી શકે તેમ નથી.

જો બે-ચાર દિવસમાં પરિસ્થિતિ થાળે પડી જાય તો આ લોકો ઉમરાહ માટે જઈ શકે, નહિતર તેમને મોટો આર્થિક માર પડી શકે તેમ છે. મોટી સંખ્યામાં ગુજરાતીઓ હાલ દુબઈ, અબુધાબી અને કુવૈત તથા અન્ય અમીરાતમાં ફરવા ગયા છે. તેઓ પણ ત્યાં ફસાયા છે. હવે સ્થિતિ થાળે પડે ત્યારે જ તેઓ પરત ફરી શકે તેમ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.