Western Times News

Gujarati News

૬ વર્ષમાં ૧૮ ચોરી કરનારો ચોર જેલમાંથી છૂટીને ૧૩મા દિવસે ચોરી કરતા ઝડપાયો

Files Photo

૧૬મીએ જેલમાંથી છૂટ્યો, દોઢ કલાકમાં ૧૩ તાળાં તોડ્યા

જજીસ બંગલો રોડ પર આવેલા અક્ષરધામ કોમ્પ્લેક્સની ૧૩ દુકાનોના તાળાં તૂટવાની ઘટના

અમદાવાદ,શહેરના જજીસ બંગલો રોડ પર આવેલા અક્ષરધામ કોમ્પ્લેક્સમાં આવેલી કુલ ૧૩ દુકાનોના તાળા તૂટ્યા હતા. ૧૩ પૈકી બે દુકાનમાંથી ૫૩ હજારની મતા ચોરી થઇ હતી. વસ્ત્રાપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે જ સમયે એક શખ્સ તાળાં તોડવાના પાના સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા પકડાયેલા ચોરે છ વર્ષમાં ૧૮ ચોરીને અંજામ આપ્યો હોવાનો ગુનાઇત ઇતિહાસ સામે આવ્યો હતો. આરોપી ૧૩ દિવસ પહેલાં જ જેલમાંથી છૂટ્યો હતો અને ચોરી કરતા ફરી ઝડપાઇ જતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

બોડકદેવમાં રહેતા મયુરીકાબેન ભાવસાર જજીસ બંગલો રોડ પર આવેલા અક્ષરધામ કોમ્પ્લેક્સમાં બ્યુટી પાર્લર ધરાવે છે. ગત શુક્રવારે મયુરીકાબેનની દુકાનનું તાળું તૂટ્યું હોવાની તેમને જાણ કરી હતી. જેથી મયુરીકાબેન તાત્કાલિક દુકાને પહોંચ્યા હતા ત્યાં તપાસ કરતા તસ્કરોએ તેમની દુકાનમાંથી રોકડા ૩૦ હજારની ચોરી હતી. આ જ કોમ્પ્લેક્સમાં આવેલા ડેન્ટલ ક્લિનિકમાં પણ તસ્કરોએ ૨૩ હજાર રોકડાની ચોરી કરી હતી. કોમ્પ્લેક્સના લોકો ભેગા થઇ જતા તસ્કરોએ અહીં આવેલી અન્ય ૧૧ દુકાનના પણ તાળાં તોડ્યા હોવાનું સામે આવ્યું હતું.

તે જ સમયે વસ્ત્રાપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શંકાસ્પદ શખ્સને તાળાં તોડવાના પાના સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિષ્ણુપ્રસાદ ઉર્ફે બંગાલી પંડિત (રહે. જીવરાજપાર્ક)ની પૂછપરછ કરતા તેણે જ આ ૧૩ દુકાનોના તાળાં તોડ્યા હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ વર્ષ ૨૦૨૧થી હાલ સુધીમાં ૧૮ જગ્યાએ ચોરી કરી હોવાનો ગુનાઇત ઇતિહાસ સામે આવ્યો છે. સાથે જ તે બે વાર ભૂજ અને રાજકોટ જેલમાં પાસાની સજા ભોગવી ચૂક્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી વિષ્ણુપ્રસાદ ઉર્ફે બંગાલી પંડિત મૂળ ઓરિસ્સાનો છે.

તે જીવરાજપાર્ક બ્રિજ નીચે રહે છે. તેણે આનંદનગર, સેટેલાઇટ, પાલડી, યુનિવર્સિટી, વસ્ત્રાપુર જેવા પોશ વિસ્તારોમાં કુલ ૧૮ ચોરી કરી હતી. દોઢ વર્ષ બાદ ગત તા. ૧૬મીએ જેલમાંથી છૂટ્યો હતો અને જીવરાજ બ્રિજ નીચેથી ચાલતો નીકળ્યો હતો અને દોઢ કલાકમાં ૧૩ દુકાનોના તાળાં તોડીને ચોરીને અંજામ આપ્યો હતો. અમદાવાદ પોલીસની સતર્કતા અને સઘન પેટ્રોલિંગના કારણે તેને રંગેહાથ ઝડપી લીધો છે. – એલ. એલ. ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર, વસ્ત્રાપુર ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.