Western Times News

Gujarati News

ટી૨૦ વર્લ્ડ કપઃ વેસ્ટ ઇન્ડિઝ સામે સંજુ સેમસન ઝળક્યો

ભારત સેમિફાઇનલમાં

ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૯૫ રનનો સ્કોર કર્યાે હતો

કોલકાતા,ભારતને જરૂર હતી ત્યારે જ પોતાનું ફોર્મ પરત મેળવનારા સંજુ સેમસનના શાનદાર અણનમ ૯૭ રનની મદદથી ભારતે રવિવારે આઇસીસી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપની સુપર-૮ની અંતિમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને પાંચ વિકેટથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પાંચમી માર્ચે મુંબઈ ખાતે તેનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે સંજુ સેમસને છેક સુધી બેટિંગ કરીને ૫૦ બોલમાં ચાર સિક્સર સાથે ૯૭ રન ફટકાર્યા હતા. આ સાથે ભારત સુપર-૮માં સાઉથ આળિકા બાદ બીજા ક્રમે રહ્યું હતું.

ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૯૫ રનનો સ્કોર કર્યાે હતો જેના જવાબમાં ભારતે ૨૦મી ઓવરમાં ટારગેટ વટાવી દીધો હતો. ૧૯૬ રનના ટારગેટ સામે રમતા ભારતે અભિષેક શર્માની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી પરંતુ તેનો સાથી ઓપનર સંજુ સેમસન ટકી ગયો હતો. સંજુએ તેની કારકિર્દીની યાદગાર પૈકીની એક ઇનિંગ્સ રમી હતી. તેણે ૫૦ બોલની ઇનિંગ્સમાં ૧૨ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. ઇશાન કિશન માત્ર દસ રન કરી શક્યો હતો તો સૂર્યકુમાર યાદવ ૧૬ બોલમાં એક સિક્સર સાથે ૧૮ રન કરીને આઉટ થયો હતો.

તિલક વર્માએ ૧૩મી ઓવરમાં શામર જોસેફ સામે ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. અંતે તે ૧૫ બોલમાં ૨૭ રન ફટકારીને આઉટ થયો હતો.અગાઉ વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ બેટિંગ કરી હતી અને યોજનાબદ્ધ રમતનું પ્રદર્શન કર્યું હતું. રોસ્ટન ચેઝે ૨૫ બોલમાં ૪૦ રન ફટકારવા ઉપરાંત કેપ્ટન શાઈ હોપ સાથે મળીને પહેલી વિકેટ માટે ૬૮ રન ઉમેરી દીધા હતા. હોપ પણ મજબૂત રમત દાખવી રહ્યો હતો અને તેણે ૩૨ રન ફટકાર્યા હતા. ૧૨મી ઓવરમાં બુમરાહે ભારતને શિમરોન હેતમાયર અને બે બોલ બાદ રોસ્ટન ચેઝને આઉટ કરીને મહત્વની સફળતા અપાવી હતી.

જોકે હેતમાયરે ૧૨ બોલમાં બે સિક્સર સાથે ૨૭ રન ફટકારીને પરેશાન કર્યા હતા. બીજી તરફ ભારતે પણ કેટલાક કેચ પણ ગુમાવ્યા હતા જેનો કેરેબિયન ટીમે લાભ ઉઠાવ્યો હતો. બુમરાહે ઉપરા ઉપરી બે વિકેટ લીધી હોવા છતાં ભારતને રાહત મળી ન હતી કેમ કે રોવમેન પોવેલ અને જેસન હોલ્ડરે મળીને ૩૫ બોલમાં ૭૬ રનની અતૂટ ભાગીદારી નોંધાવીને કેરેબિયન ટીમને ૧૯૫ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. પોવેલે ૧૯ બોલમાં ૩૪ અને હોલ્ડરે ૨૨ બોલમાં ૩૭ રન ફટકાર્યા હતા. ભારત માટે જસપ્રિત બુમરાહે ચાર ઓવરમાં ૩૬ રન આપીને બે વિકેટ લીધી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.