Western Times News

Gujarati News

સરનામું પૂછવાનું નાટક કરી આંગડીયા કર્મચારીના 20 લાખ ચોર્યા

AI Image

કર્મચારી પાસે મોટી રકમ છે તેની જાણ તસ્કરોને હોવાથી, ચોક્કસ સ્થળે રેકી કરીને જ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાનું જણાય છે.

(એજન્સી)અમદાવાદ, શહેરના પોશ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં ધોળે દિવસે તસ્કરોએ પોલીસના નાક નીચે આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવ્યો છે. સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે આવેલા ટ્રેડ સેન્ટર બિલ્ડિંગ નજીક તસ્કરોએ ફિલ્મી ઢબે સરનામું પૂછવાના બહાને કર્મચારીનું ધ્યાન ભટકાવ્યું અને તેની એક્ટિવાની ડેકીમાંથી રૂપિયા ૨૦ લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરના આંગડિયા બજાર અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એક જાણીતી આંગડિયા પેઢીનો કર્મચારી ૨૦ લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ એક્ટિવાની ડેકીમાં મૂકીને જઈ રહ્યો હતો. તે જ્યારે ટ્રેડ સેન્ટર બિલ્ડિંગ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો તેની પાસે આવ્યા હતા. તસ્કરોએ ખૂબ જ હોશિયારીથી કોઈ ચોક્કસ સરનામું પૂછવાનું નાટક કરીને કર્મચારીને વાતોમાં પરોવ્યો હતો.

કર્મચારી જ્યારે તેમને રસ્તો બતાવવા માટે રોકાયો, ત્યારે જ તસ્કરોએ પળવારમાં નજર ચૂકવી એક્ટિવાની ડેકી ખોલી તેમાંથી લાખોની રોકડ ભરેલી બેગ સેરવી લીધી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તત્કાલિક નવરંગપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તસ્કરો આંગડિયા પેઢીથી જ કર્મચારીનો પીછો કરી રહ્યા હોવા જોઈએ.

કર્મચારી પાસે મોટી રકમ છે તેની જાણ તસ્કરોને હોવાથી, ચોક્કસ સ્થળે રેકી કરીને જ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાનું જણાય છે. નવરંગપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આસપાસની ઓફિસો અને બિલ્ડિંગોના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. લૂંટારૂઓને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.

પોલીસે શહેરના મુખ્ય રસ્તાઓ પર નાકાબંધી કરી છે અને શંકાસ્પદ વાહનચાલકોની તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં વારંવાર આંગડિયા પેઢીના કર્મચારીઓને નિશાન બનાવવાની ઘટનાઓ વધતા વેપારીઓએ પોલીસ સુરક્ષા અને પેટ્રોલીંગ વધારવાની માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.