Western Times News

Gujarati News

ઈરાન યુદ્ધની અસર: મોરબીના સિરામિક ઉદ્યોગને પ્રોપેન ગેસનો સપ્લાય ઠપ

File Photo

(એજન્સી)અંકલેશ્વર, પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે ગુજરાતના અર્થતંત્રના મહત્વના ગણાતા મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય તણાવને કારણે પ્રોપેન ગેસનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જતાં સિરામિક એકમો માટે અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. ઈંધણના અભાવે આગામી ૨૪થી ૪૮ કલાકમાં મોટાભાગના કારખાનાઓ બંધ થઈ જવાની શક્યતા છે, જેના કારણે લાખો પરિવારોની આજીવિકા પર જોખમ તોળાઈ રહ્યું છે.

તો અમેરિકા-ઈરાન યુદ્ધ ને લઇ હવે અંકલેશ્વર જિલ્લાના ઉદ્યોગો માં એલએનજી ગેસ ની અછત શરૂ થઇ છે. અમેરિકા-ઈરાન- ઈઝરાયલ યુદ્ધ થી એલએનજી સપ્લાય ઘટ્યો છે. ગુજરાત ગેસ દ્વારા ગેસ સપ્લાય કરાર હેઠળ “ફોર્સ મેજર” જાહેર કરીને ઉદ્યોગોને ગેસના વપરાશમાં મર્યાદા રાખવા જણાવ્યું હતું. જિલ્લાના તેમજ અંકલેશ્વર ના ઉદ્યોગોમાં ઉત્પાદન પર અસર ની સંભાવના વધી રહી છે.

મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ હરેશ બોપલિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, મોરબીમાં આશરે ૬૦૦ જેટલા સિરામિક એકમો કાર્યરત છે જે મુખ્યત્વે પ્રોપેન અને નેચરલ ગેસ પર નિર્ભર છે. યુદ્ધની સ્થિતિના પગલે સપ્લાય એજન્સીઓએ બે દિવસથી ઓર્ડર લેવાનું બંધ કર્યું છે અને કંડલા પોર્ટ પરથી ટેન્કર ભરવાની પ્રક્રિયા પણ થંભી ગઈ છે. હાલ ઉદ્યોગકારો પાસે માત્ર ૪૮ કલાક ચાલે તેટલો જ જથ્થો ઉપલબ્ધ છે, જે પૂર્ણ થતાં ઉત્પાદન ફરજિયાતપણે બંધ કરવું પડશે.

આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આશરે ૩ લાખ જેટલા શ્રમિકોની રોજગારી પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. જો લાંબા સમય સુધી આ સ્થિતિ જળવાઈ રહેશે તો કારખાનેદારોને લોનના હપ્તા ભરવામાં પણ મુશ્કેલી પડી શકે તેમ છે. આ આર્થિક સંકટ માત્ર સિરામિક જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા અન્ય નાના-મોટા આનુષંગિક ઉદ્યોગોને પણ અસર કરશે, જેનાથી સમગ્ર મોરબીની અર્થવ્યવસ્થા ડામાડોળ થવાની ભીતિ છે.

બીજી તરફ, ગેસની અછતની ગંભીરતાને ધ્યાને રાખીને સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના હોદ્દેદારોએ ગુજરાત ગેસ કોર્પાેરેશનની કચેરીએ દોડી જઈ રજૂઆત કરી હતી.સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલમાં ગેસનો પૂરતો સ્ટોક હોવાનું આશ્વાસન ઉદ્યોગકારોને આપવામાં આવ્યું છે.

જોકે, ગુજરાત ગેસ પાસે વાસ્તવમાં કેટલો જથ્થો ઉપલબ્ધ છે તેની કોઈ સત્તાવાર વિગતો જાહેર ન કરાતા ઉદ્યોગ જગતમાં હજુ પણ અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે.અમેરિકા-ઈરાન- ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ જેવી પરિસ્થિતિ ને કારણે ગુજરાત ગેસ કંપની દ્વારા અંકલેશ્વર જિલ્લાના ઔદ્યોગિક એકમોને અપાતા ગેસ સપ્લાયમાં ઘટાડો થવાની સંભાવના છે. આનાથી ઉત્પાદન પર સીધી અસર પડી શકે છે.

અખાતી દેશો માં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેઇન પર અસર પડી રહી છે, ખાસ કરીને અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા ઉદ્યોગકારો માટે ગેસ પુરવઠામાં ઘટાડાની શક્યતા ઊભી થઈ છે.ગુજરાત ગેસ કંપની એ ઉદ્યોગોને મોકલેલી સૂચના મુજબ, એલએનજી ગેસની ઉપલબ્ધતા ઘટવાને કારણે ગેસ પુરવઠો લગભગ ૫૦ ટકા સુધી ઘટાડવામાં આવી શકે છે. કંપની એ ગેસ સપ્લાય કરાર હેઠળ “ફોર્સ મેજર” જાહેર કરીને ઉદ્યોગોને ગેસના વપરાશમાં મર્યાદા રાખવા જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.