સ્પીકર બિરલા સામે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા ના થઇ શકી
નવી દિલ્હી, સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર વિપક્ષી સભ્યોએ ચર્ચાની માંગ સાથે હોબાળો મચાવતા લોકસભામાં સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવાની નોટિસ પર કાર્યવાહી થઈ શકી ન હતી. વિપક્ષે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં ભીષણ યુદ્ધની ગૃહમાં ચર્ચા કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર કરતાં લોકસભાની કાર્યવાહી બપોર પછી સ્થગિત કરાઈ હતી.
લોકસભાના સ્પીકરને પદ પરથી દૂર કરવાના વિપક્ષના ઠરાવ મુદ્દે મંગળવારે બપોર પછી કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા છે. વિપક્ષે બિરલા પર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાતી વલણ અપનાવવાનો આક્ષેપ મુક્યો છે. બંધારણની જોગવાઈ અનુસાર, સ્પીકરને ગૃહમાં પોતાનો બચાવ કરવાનો અધિકાર છે.
જોકે સૂત્રો અનુસાર, અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચામાં વિપક્ષના આક્ષેપોનો જવાબ ગૃહમંત્રી અમિત શાહ આપશે. સરકારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની તૈયારી દર્શાવી છે.
આ ઉપરાંત કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી લડાઈ મુદ્દે સંસદના બંને ગૃહોમાં માહિતી આપી દીધી હોવાથી, આ મામલે સંસદમાં ચર્ચા કરવાની વિપક્ષની માગને સરકાર સ્વીકારે તેવી શક્યતા નથી. સોમવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન વિપક્ષે પશ્ચિમ એશિયાની સ્થિતિ મુદ્દે ચર્ચા કરવાની માગ કરી હતી.
જોકે સરકાર તેને તાબે ના થતાં વિપક્ષી સાંસદોએ ગૃહમાં સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવતાં ગૃહની કાર્યવાહી બપોરે ૩ વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. કાર્યવાહી શરૂ થતાં ફરીથી વિપક્ષે હોબાળો શરૂ કરતાં ગૃહની કાર્યવાહીનું નિયમન કરતાં જગદંબિકા પાલે વિપક્ષને ગૃહમાં શિસ્ત જાળવવાની તથા બિરલા વિરુદ્ધના ઠરાવ પર કાર્યવાહી માટે અપીલ કરી હતી.
તેમણે વિપક્ષને જણાવ્યું હતું કે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવનો ઠરાવ ગૃહના એજન્ડામાં હોવાથી પશ્ચિમ એશિયાની કટોકટીની વિપક્ષની માગ સ્વીકારી શકાય તેમ નથી. એક જ દિવસે બે મુદ્દે ચર્ચાની માગ કરવા બદલ તેમણે વિપક્ષના ઈરાદાઓ અંગે શંકા વ્યક્ત કરી હતી. આમ છતાં વિપક્ષે પોતાની માગ ચાલુ રાખી સૂત્રોચ્ચાર કર્યાં હતાં.
પાલે વિપક્ષ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આ રીતે ગૃહને બંધક બનાવી વિપક્ષ પર કરદાતાઓના નાણાંનો બગાડ કરી રહ્યો છે.પશ્ચિમ એશિયામાં રહેતાં આશરે એક કરોડથી વધુ ભારતીયોની સુરક્ષાને સર્વાેચ્ચ પ્રાથમિકતા આપતાં ભારતે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષનો ઉકેલ શાંતિ અને રાજદ્વારી મંત્રણાથી લાવવા પર ભાર મુક્યો છે.
સંસદમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ વિશે નિવેદન આપતાં કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારત તમામ રાષ્ટ્રોના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સન્માન કરે છે. ભારત માટે ઉર્જા સલામતી અને વેપારની સાથે સાથે જ ખાડી દેશોમાં રહેતાં આશરે એક કરોડ ભારતીયોની સુરક્ષા સર્વાેચ્ચ મહત્વ ધરાવે છે.SS1MS
