Western Times News

Gujarati News

રિક્ષામાં ૧૧૦ કિલો ગાંજાની હેરાફેરી કરનાર આરોપીને ૧૫ વર્ષની સખત કેદ

અમદાવાદ, શહેરમાં નશાના કારોબાર સામે લાલઆંખ કરતા અમદાવાદની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. નારોલ વિસ્તારમાંથી રિક્ષામાં અંદાજે ૧૧૦ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી ચીમનભાઈ સોલંકીને કોર્ટે ૧૫ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧ લાખના દંડનો હુકમ કર્યાે છે.

આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, જે પુરવાર થાય છે ત્યારે આરોપી સામે દયા ન દાખવી શકાય.આ કેસની વિગત મુજબ, ૩ એપ્રિલ ૨૦૨૧ના રોજ નારોલ પોલીસને બાતમી મળી હતી કે એક ઓટો રિક્ષામાં ગાંજાનો જથ્થો લઈ કેટલાક ઇસમો પસાર થવાના છે.

આ બાતમીના આધારે પોલીસે લાંભા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી શંકાસ્પદ રિક્ષાને અટકાવી હતી. તપાસ દરમિયાન રિક્ષાની પાછળની સીટમાં ખાખી કલરના પાંચ પુઠાના બોક્સ મળી આવ્યા હતા, જેમાંથી ૧૧૦.૧૮૦ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ઘટના સ્થળેથી પોલીસે રિક્ષાચાલક કિરીટ પંચાલ, ચીમનભાઈ સોલંકી અને ક્રિષ્નરાજ રાજપુરોહિતની ધરપકડ કરી હતી.

જોકે, કેસની કાર્યવાહી દરમિયાન આરોપી કિરીટ પંચાલનું અવસાન થતાં તેની સામેનો કેસ બંધ કરવામાં આવ્યો હતો, જ્યારે ક્રિષ્નરાજ રાજપુરોહિત જામીન પરથી ફરાર થઈ જતા તેને ભાગેડુ જાહેર કરી તેની સામેની કાર્યવાહી અલગ કરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન સરકારી વકીલ ડી.એમ. ઠાકોરે દલીલ કરી હતી કે આરોપીઓ પાસેથી વાણિજ્યિક માત્રામાં નશાકારક પદાર્થ મળી આવ્યો છે, જે સમાજ માટે ઘાતક છે, યુવાધન નશાના રવાડે ચઢી બરબાદ થઇ રહ્યું છે ત્યારે આરોપીને સખ્તમાં સખ્ત સજા કવી જોઇએ.

કોર્ટે ફરિયાદ પક્ષના પુરાવા અને સાક્ષીઓને ગ્રાહ્ય રાખી આરોપી ચીમનભાઈ સોલંકીને એનડીપીએસ એક્ટની કલમ ૨૦ (બી) (આઈઆઈ) (સી) હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો અને ૧૫ વર્ષ કેદની સજા ફટકારી છે. જ્યારે આ કેસમાં અન્ય એક આરોપી ચંદનસિંહ વાઘેલાને પુરાવાના અભાવે નિર્દાેષ છોડી મૂકવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.