Western Times News

Gujarati News

પોલીસ સ્ટેશન માત્ર 200 મીટર દૂર ધમધમતા દારૂના અડ્ડા પર જનતા રેડ

File

(એજન્સી)અમદાવાદ, શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં બુટલેગરોના વધતા આતંક અને પોલીસની રહેમનજર હેઠળ ચાલતા દારૂના કારોબારથી કંટાળીને આખરે સ્થાનિક રહીશોએ કાયદો હાથમાં લેવાની ફરજ પડી છે.

પોલીસ સ્ટેશનથી માત્ર ૨૦૦ મીટરના અંતરે ચાલતા દારૂના અડ્ડા પર સ્થાનિકોએ ‘જનતા રેડ’ કરીને બુટલેગરોનો ભાંડો ફોડ્‌યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી બુટલેગરો દ્વારા ગેરકાયદેસર દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. નવાઈની વાત એ છે કે, જે અડ્ડા પર જનતાએ રેડ કરી તે પોલીસ સ્ટેશનથી સાવ નજીક હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ હોય તે માનવું મુશ્કેલ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા, આખરે રહીશોએ જાતે જ દારૂના અડ્ડા પર ત્રાટકવાનો નિર્ણય લીધો હતો.

જનતા રેડ દરમિયાન રોષે ભરાયેલા લોકોએ દારૂના અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓ અને ઇંગ્લિશ દારૂના ક્વાર્ટરની બોટલો શોધી કાઢી હતી. રેડ કરી રહેલા લોકોએ આ સમગ્ર પ્રક્રિયાનું વીડિયો શૂટિંગ પણ કર્યું હતું. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે રહેણાંક વિસ્તારની વચ્ચે બેખોફ બનીને દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. સોશિયલ મીડિયા પર ‘જનતા રેડ’નો વીડિયો વાયરલ થતા જ પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે બુટલેગરો સાથે પોલીસની મિલીભગતને કારણે જ આટલા સમયથી કોઈ પગલાં લેવાતા નહોતા. જોકે, વીડિયો વાયરલ થયા બાદ હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસના આદેશ અપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ ઘટના બાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ સામે કોઈ કડક પગલાં લેવામાં આવે છે કે કેમ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.