ભાભીના કપડા ફાડી બળજબરીથી સંબંધ બાંધવાનો પ્રયાસ કરનારા જેઠની ધરપકડ
અમદાવાદ , ઇસનપુર વિસ્તારમાં સંયુક્ત પરિવારમાં રહેતી એક પરિણીતાને તેના જેઠે શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. પરિણીતાએ આ માગણી નકારી દીધી હતી. તેમ છતાં, બીજી વખત ઘરમાં ભાભી એકલી હોવાનું જાણીને જેઠે ફરીથી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું અને બળજબરી કરીને તેણીના કપડા ફાડી નાખ્યા.
આ ઘટનાની જાણ પતિને થતા દંપતીએ મળીને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.શહેરના ઇસનપુર વિસ્તારમાં ભાભી અને જેઠના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. ૨૪ વર્ષીય પરિણીત સ્ત્રી તેના પતિ, સાસુ અને જેઠ સાથે સંયુક્ત પરિવારમાં રહે છે.
તેણીનો પતિ સામાન્ય નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.કેટલાક દિવસ પહેલાં પરિણીતા ઘરમાં એકલી હતી ત્યારે તેનો જેઠ તેની પાસે આવ્યો અને શારીરિક સંબંધ બાંધવાની અભદ્ર માગણી કરી. આ વાત સાંભળીને પરિણીતા ચોંકી ઊઠી અને તેણે તરત જ સ્પષ્ટ ઇનકાર કર્યાે.
તે સમયે તેણીએ આ બાબત પતિ કે પરિવારના અન્ય સભ્યોને જણાવી નહોતી. બીજી તરફ જેઠ પણ પછીથી મૌન રહ્યો હતો, તેથી પરિણીતાએ ઉદારતા દાખવી આ ઘટનાને અવગણવાનો નિર્ણય કર્યાે. ત્યારબાદ બંને વચ્ચે ફરી સામાન્ય વાતચીત શરૂ થઈ હતી.આ સ્થિતિનો લાભ લઈ આરોપીએ ૮ માર્ચની રાત્રે જ્યારે ઘરમાં અન્ય કોઈ સભ્ય હાજર નહોતું, ત્યારે ફરી ભાભી પાસે આવી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.
પરિણીતાએ ફરી ઇનકાર કરતાં આરોપીએ તેણી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યાે અને તેણીના કપડાં ફાડી નાખ્યા.ગભરાઈ ગયેલી પરિણીતાએ મદદ માટે બૂમો પાડી. અવાજ સાંભળીને પડોશીઓ ત્યાં આવી પહોંચ્યા. થોડા સમયમાં મહિલાનો પતિ પણ ઘરે આવી ગયો. પરિણીતાએ આ ઘટનાની વિગત પતિને જણાવી હતી.
ત્યારબાદ દંપતીએ મળીને ઇસનપુર પોલીસ મથકે આરોપી જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી જેઠની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.SS1MS
