Western Times News

Gujarati News

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કમાં ૭ કરોડનું સાયબર ફ્રોડ

(એજન્સી)ભાવનગર, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કમાં રવિવારના રોજ સાયબર ગઠિયાઓએ મોટું કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે. બેન્કની સિસ્ટમ હેક કરીને અજાણ્યા શખ્સો દ્વારા કરોડો રૂપિયાની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.

આ ઘટનાને પગલે બેન્ક તંત્રમાં દોડધામ મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કની વિવિધ ૮૮ શાખાઓમાં ૧.૨૫ લાખ ખાતેદારોની કરોડોની થાપણો પડેલી છે. ગત રવિવારે સાયબર ગુનેગારોએ અત્યાધુનિક પદ્ધતિથી બેન્કની સંપૂર્ણ સિસ્ટમ અને ડેટા સિક્યુરિટીને ક્રેક કરી દીધી હતી.

હેકર્સ દ્વારા તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસર સહિતની શાખાઓમાંથી અંદાજે સાત કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.સોમવારે જ્યારે બેન્ક શરૂ થઈ ત્યારે સિસ્ટમ ખોલતાની સાથે જ આ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હેડ ઓફિસ દ્વારા તુરંત જ તમામ ૮૮ શાખાઓમાં લેવડ-દેવડ સહિતની કામગીરી સ્થગિત કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

બેન્કની ડેટા સિક્યુરિટી કેવી રીતે હેક થઈ અને આટલી મોટી રકમ કયા ખાતાઓમાં ટ્રાન્સફર થઈ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને લઇ તાકીદની અસરથી ૨૫ તજજ્ઞાની ટીમ સાથે સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.