Western Times News

Gujarati News

ગુજરાત સરકાર પાસે વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી નથી: મુખ્યમંત્રી

સાબરકાંઠાના નવલપુર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને રૂ. ૭૨ કરોડના ૧૯૯૯ વિકાસકામોની ભેટ ધરી

 સાબરકાંઠાને આરોગ્ય  ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે પ્રતિષ્ઠિત સ્કૉચ એવોર્ડની સિદ્ધિ બદલ જિલ્લાને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રી

 મુખ્યમંત્રીશ્રી:

સરકારી કામને પોતાનું સમજીને કરવામાં આવે તો તેની ગુણવત્તા અને આયુષ્ય આપોઆપ વધી જાય છે

નવલપુર ગામને મહિલા સશક્તીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું

 નવલપુર, સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના વિકાસમાં એક નવું સોપાન ઉમેરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે તલોદ તાલુકાના આદર્શ ગામ નવલપુર ખાતેથી અંદાજે રૂ. ૭૨ કરોડના કુલ ૧૯૯૯ જેટલા વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સાથો સાથ મુખ્યમંત્રીશ્રીએ નવલપુર ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ તેમજ ગામના અમૃત સરોવર સ્થિત સરદાર પટેલના પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પાસે વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી નથી અને સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા મન મૂકીને ખર્ચ કરી રહી છે. તેમણે અધિકારીઓ અને નાગરિકોને આહ્વાન કર્યું હતું કે સરકારી કામને પોતાનું સમજીને કરવામાં આવે તો તેની ગુણવત્તા અને આયુષ્ય આપોઆપ વધી જાય છે.

મુખ્યમંત્રીશ્રીએ નવલપુર ગામને ગ્રામીણ વિકાસનું ઉત્તમ ઉદાહરણ ગણાવતા જણાવ્યું કે, આ ગામમાં સરપંચથી લઈને તમામ સભ્યો મહિલાઓ છે, જે મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. નવલપુરે ‘સમરસ ગામ’ના વિચારને ચરિતાર્થ કરવાની સાથે પાણીના મીટર જેવી આધુનિક સુવિધાઓ અને ૧૦૦% સોલાર સિસ્ટમ અપનાવીને દેશને નવી રાહ ચીંધી છે.

મુખ્યમંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી કર્કવૃત્ત રેખાના ભૌગોલિક મહત્વને વૈશ્વિક ઓળખ આપવા માટે રૂ. ૮ કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન ‘સાયન્સ પાર્ક’ નું લોકાર્પણ કર્યું હતું. ૧.૫ એકરમાં ફેલાયેલા આ પાર્કમાં ટ્રોપિક ઓફ કેન્સર ટાવર, સનડાયલ અને ઇનફોગ્રાફિક એક્ઝિબિશન હોલ જેવી સુવિધાઓ છે, જે બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવશે, એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શિક્ષણ ક્ષેત્રે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ની સફળતાના કારણે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓમાં ૧૯% નો વધારો થયો હોવાનું પણ મુખ્યમંત્રીશ્રીએ નોંધ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓ માટેના ‘લાલન-પાલન’ કાર્યક્રમ અને બાળકોમાં ટાઈપ-૧ ડાયાબિટીસ નિયંત્રણ માટેની કામગીરીની પણ સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રની આ બંને પહેલોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રતિષ્ઠિત ‘સ્કૉચ એવોર્ડ’ એનાયત થયો છે, જે જિલ્લા માટે ગૌરવની બાબત છે.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ અવસરે નવલપુરને ‘સમરસ, સ્વચ્છ અને સોલર’ ગામ તરીકે બિરદાવતા જણાવ્યું હતું કે, આ ગામે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને ચરિતાર્થ કર્યું છે. તેમણે રૂ. ૮ કરોડના ખર્ચે નિર્મિત સાયન્સ પાર્કને આવનારી પેઢી માટે વિજ્ઞાનનું જીવંત કેન્દ્ર ગણાવ્યું હતું, જે બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં મદદરૂપ થશે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર છેવાડાના બાળકો સુધી શ્રેષ્ઠ શિક્ષણ પહોંચાડવા કટિબદ્ધ છે અને જિલ્લામાં રૂ. ૫૧૮ લાખના ખર્ચે ૨૬ નવીન વર્ગખંડોનું નિર્માણ એ દિશાનું મક્કમ પગલું છે. તેમણે નાગરિકોને સરકારી મિલકતને પોતાની મિલકત સમજીને તેની જાળવણી કરવા પણ વિશેષ અનુરોધ કર્યો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલે નવલપુર ગામના આંગણે મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, સરકારના સાથ અને જનભાગીદારીના કારણે જ નવલપુર આજે વિકાસનું મોડેલ બની શક્યું છે. તેમણે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વિવિધ વિકાસ કામો માટે મન મૂકીને ગ્રાન્ટ ફાળવવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ગર્વ સાથે નોંધ્યું હતું કે નવલપુર આજે સાબિત કરી રહ્યું છે કે જ્યારે સમાજ અને સરકાર સાથે મળીને કાર્ય કરે છે ત્યારે કેવા શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે.

પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારે નવલપુરની સિદ્ધિઓને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નવલપુરે ગોબર બેંક બનાવીને અને ૧૦૦% સોલાર સિસ્ટમ અપનાવીને એક આદર્શ ગામનું નિર્માણ કર્યું છે. વધુમાં તેમણે તલોદ બસ ડેપોના વર્ષો જૂના પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી નવા ડેપોના લોકાર્પણ બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો અને ગામની સ્વચ્છતા માટે હાથ ધરવામાં આવેલા વ્યવસ્થિત આયોજનની સરાહના કરી હતી.

હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૧થી મોદી યુગમાં વિકાસ કામો માટે ગ્રાન્ટની ક્યારેય અછત રહી નથી. તેમણે સરકારની ખેડૂતલક્ષી અભિગમની પ્રશંસા કરતા કહ્યું કે ચોમાસામાં થયેલા નુકસાન સામે રાહત પેકેજ આપી સરકારે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ખેડૂતોની પડખે છે. સુજલામ સુફલામ યોજનાના કારણે જિલ્લામાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે અને સમગ્ર સાબરકાંઠા જિલ્લો હરિયાળો બન્યો છે તેવું તેમણે ગૌરવ સાથે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે કુલ ૧૯૯૯ જેટલા કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વાહન વ્યવહાર વિભાગના રૂ. ૧૩૯૦ લાખના કામો અને સામાન્ય વહીવટ વિભાગના રૂ. ૩૬૬૭ લાખના કામોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને પ્રાંતિજના પ્રાંત અધિકારી સુશ્રી આયુષી જૈને આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, રાજ્ય નાણાપંચના સભ્ય શ્રી જે. ડી. પટેલ, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને નિવાસી અધિક કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.