Western Times News

Gujarati News

દેશના મોટા રાજ્યોમાં દેવાનું ભારણ વધ્યું: જ્યારે ગુજરાત ૧૫.૩% ના નીચા દર સાથે મજબૂત સ્થિતિમાં

AI Image

મહારાષ્ટ્ર ૨૦૨૯ સુધીમાં ૧ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનનાર પ્રથમ રાજ્ય બનશે: મુખ્યમંત્રી ફડણવીસ

મહારાષ્ટ્રનું બજેટ શિસ્તબદ્ધ હોવાનો દાવો, દેવાના નીચા આંકડામાં ગુજરાત સાથે કરવામાં આવી સરખામણી.

નાણાકીય શિસ્તમાં ગુજરાત દેશમાં અગ્રેસર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ જીએસડીપી ડેટામાં કર્યો ઉલ્લેખ.

મુંબઈ, ૧૧ માર્ચ: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્ર ૨૦૨૯ સુધીમાં ૧ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા હાંસલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે અને ૨૦૪૭ સુધીમાં ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે.

તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૫-૨૬માં મહારાષ્ટ્ર રાજ્યની અર્થવ્યવસ્થાનું કદ ૬૬૦ બિલિયન ડોલર છે અને ૧ ટ્રિલિયન ડોલરના લક્ષ્ય સુધી પહોંચવા માટે તેમાં વધુ ૩૪૦ બિલિયન ડોલર ઉમેરવાના રહેશે.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે રાજ્યએ એક જ વર્ષમાં રેકોર્ડબ્રેક ૫૫ બિલિયન ડોલરનો ઉમેરો કર્યો છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે જો યુદ્ધ અથવા અલ-નીનો જેવી કુદરતી ઘટનાઓને કારણે વિકાસ દરમાં કોઈ ઘટાડો થાય, તો પણ રાજ્ય ૨૦૨૯ અથવા વધુમાં વધુ ૨૦૩૦-૩૧ સુધીમાં ૧ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનો દરજ્જો ચોક્કસપણે પ્રાપ્ત કરશે.

રાજ્ય વિધાનસભામાં વર્ષ ૨૦2૬-૨૭ના વાર્ષિક બજેટ પરના પ્રતિભાવમાં, મુખ્યમંત્રીએ વિરોધ પક્ષો દ્વારા ૨૦૩૦ સુધીમાં ૧ ટ્રિલિયન ડોલર અને ૨૦૪૭ સુધીમાં ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય અંગે ઉઠાવવામાં આવેલી શંકાઓનું નિરાકરણ લાવતા આ નિવેદનો આપ્યા હતા.

 મુખ્યમંત્રી ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે ૨૦૨૬-૨૭નું બજેટ વિસ્તરણલક્ષી હોવા છતાં, તે નાણાકીય શિસ્ત અને વિવેકની મર્યાદામાં છે. રાજ્યના દેવાના સ્તર અંગે વિરોધ પક્ષની ચિંતાઓને ફગાવતા તેમણે આર્થિક મજબૂતીના અનેક પાસાઓ રજૂ કર્યા હતા.

મુખ્યમંત્રીએ નોંધ્યું હતું કે નાણાકીય ખાધ (Fiscal Deficit) જીએસડીપી (GSDP) ના ૨.૮૮ ટકા પર જાળવી રાખવામાં આવી છે, જે FRBM એક્ટ દ્વારા નિર્ધારિત ૩ ટકાની મર્યાદામાં છે. તેમણે ઉમેર્યું કે મહેસૂલી ખાધ જીએસડીપીના આશરે ૦.૩૭ ટકા રહેવાનો અંદાજ છે. આ આંકડો ૧ ટકાથી નીચે હોવો એ દર્શાવે છે કે રાજ્ય રોજિંદા ખર્ચ માટે નહીં પણ મૂડી સર્જન (Capital Creation) માટે દેવું કરી રહ્યું છે.

તેમણે સ્પષ્ટ કર્યું કે મહારાષ્ટ્રનો દેવું-જીએસડીપી ગુણોત્તર ૧૮.૨ ટકા છે, જે ૨૫ ટકાની મર્યાદાથી ઘણો નીચે છે. અન્ય ઔદ્યોગિક રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રની સ્થિતિ વધુ સારી છે; જેમ કે તમિલનાડુ (૨૫.૬%), આંધ્રપ્રદેશ (૩૩%), મધ્યપ્રદેશ (૩૦%) અને તેલંગાણા (૨૩.૮%). તેમણે સ્વીકાર્યું હતું કે ગુજરાત (૧૫.૩%) અને ઓડિશા (૧૩.૧%) એવા બે રાજ્યો છે જેમનો દેવાનો દર સૌથી ઓછો છે.

રાજ્યનું દેવું ૨૦૨૫-૨૬માં રૂ. ૯.૩૨ લાખ કરોડ અંદાજવામાં આવ્યું છે, પરંતુ વધતા જીએસડીપીને કારણે રાજ્યની ઉધાર લેવાની ક્ષમતા મજબૂત છે. ફડણવીસે જણાવ્યું કે ૨૦૧૩-૧૪માં મહેસૂલી આવક રૂ. ૧.૫૫ લાખ કરોડ હતી જે ૨૦૨૫-૨૬માં વધીને રૂ. ૬,૧૬,૦૦૦ કરોડ થઈ છે. તેવી જ રીતે મૂડી ખર્ચ રૂ. ૨૫,૧૨૯ કરોડથી વધીને રૂ. ૨ લાખ કરોડ થયો છે. મહારાષ્ટ્રનો જીએસડીપી વૃદ્ધિ દર ૭.૯ ટકા અંદાજવામાં આવ્યો છે, જે દેશના જીડીપી કરતા વધુ છે. તેમણે ઉમેર્યું કે FDI, સ્ટાર્ટ-અપ્સ, યુનિકોર્ન અને GST કલેક્શનમાં મહારાષ્ટ્ર નંબર વન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.