અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરો સાથે ઠગાઈ કરનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, RPFએ બે આરોપીઓ ઝડપ્યા
Ahmedabad, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રેલવે સુરક્ષા દળ (આરપીએફ) દ્વારા નિરંતર સતર્કતા રાખવામાં આવી રહી છે. આ જ ક્રમમાં આરપીએફએ અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરો સાથે ઠગાઈ કરનાર એક આંતરરાજ્ય ગેંગના બે સક્રિય સભ્યોને પકડીને આગળની કાર્યવાહી માટે જીઆરપી અમદાવાદને સોંપ્યા છે.
હાલમાં બે મુસાફરોએ આરપીએફ પોસ્ટ અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક અજાણ્યા લોકોએ તેમને એવું કહીને છેતર્યા હતા કે રેલવે પરિસરમાં રોકડ રકમ સાથે ફરવું પ્રતિબંધિત છે અને તેને રેલવે કાર્ડમાં જમા કરાવવી જરૂરી છે. આ બહાને પ્રથમ ઘટનામાં એક મુસાફર પાસેથી ₹12,000 રોકડ અને એક મોબાઇલ ફોન ઠગાઈ કરીને લઈ લેવામાં આવ્યા, જ્યારે બીજી ઘટનામાં અન્ય એક મુસાફર પાસેથી ₹3,000 રોકડ, મોબાઇલ ફોન તેમજ તેના બેંક ખાતામાંથી અંદાજે ₹1,00,000ની છેતરપિંડી કરવામાં આવી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર/ આરપીએફ અમદાવાદના નેતૃત્વમાં એક વિશેષ ટીમ (CPDS)ની રચના કરવામાં આવી. ટીમ દ્વારા સ્ટેશન પરિસરના સીસીટીવી ફૂટેજની વિગતવાર તપાસ દરમિયાન ચાર શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી, જેમની માહિતી ક્રાઇમ બ્રાંચ તથા જીઆરપી સાથે શેર કરવામાં આવી.
આરપીએફ ટીમના એએસઆઈ માનસિંહ, સીટી મંજીત કુમાર તથા સીઆઇબી સ્ટાફ દ્વારા સ્ટેશન પરિસરમાં સઘન શોધ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં બે શંકાસ્પદોને ઝડપી લેવામાં આવ્યા. તેમની ઓળખ પરેશ કુમાર પટેલ (રહેવાસી સુરત) તથા કાઉડા (રહેવાસી ઉદયપુર) તરીકે થઈ.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યું કે તેઓ તેમના સાથી મિટ્ટુ સિંહ અને પ્રિન્સ સાથે મળીને અમદાવાદ, સાબરમતી, દિલ્હી, સિકંદરાબાદ, હૈદરાબાદ, જયપુર, ભોપાલ અને સુરત જેવા મોટા રેલવે સ્ટેશનો પર ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર જતાં ઓછા શિક્ષિત મુસાફરોને નિશાન બનાવતા હતા.
બંને આરોપીઓ તેમના સાથીઓ સાથે રેલવે સ્ટેશનોના બુકિંગ હોલ, પ્લેટફોર્મ વગેરે સ્થળોએ ઉભા રહી મુસાફરો પર નજર રાખતા હતા અને ખાસ કરીને બિહાર તથા ઉત્તર પ્રદેશ જતાં ઓછા શિક્ષિત મજૂર વર્ગના મુસાફરોને નિશાન બનાવતા હતા. તેઓ મુસાફરો સાથે તેમની ભાષામાં વાતચીત કરીને વિશ્વાસ જીતતા અને ખોટી માહિતી આપતા કે રેલવેમાં રોકડ કે મોબાઇલ રાખવું પ્રતિબંધિત છે, તેથી પૈસા અને મોબાઇલ જમા કરાવી કાર્ડ બનાવવું પડશે.
ત્યારબાદ તેમનો એક સાથી નકલી ₹500ના કૂપન નોટ આપીને કાર્ડ બનાવવાનું નાટક કરતો, જેથી મુસાફરને વિશ્વાસ થઈ જાય. આ રીતે વિશ્વાસમાં લઈ તેઓ મુસાફરો પાસેથી રોકડ અને મોબાઇલ લઈને ફરાર થઈ જતા અને મોબાઇલ દ્વારા પૈસાની લેવડદેવડ પણ કરી લેતા. આ રીતે તેઓ ભોળા અને ઓછા શિક્ષિત મુસાફરોને પોતાનો શિકાર બનાવતા હતા.
પકડાયેલા આરોપીઓ પાસેથી ₹1,03,150 રોકડ, 04 મોબાઇલ ફોન, 02 બેગ તેમજ 84 નકલી કૂપન નોટો જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં આઈપીએફ પ્રવીણ કુમાર, એએસઆઈ માનસિંહ, સીટી મંજીત કુમાર, સીટી ધીરજ અને સીટી અંકિતની મહત્વપૂર્ણ ભૂમિકા રહી.
પકડાયેલા આરોપીઓને આગળની કાર્યવાહી માટે જીઆરપી અમદાવાદને સોંપવામાં આવ્યા છે, જ્યાં તેમની સામે બીએનએસ ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.
પશ્ચિમ રેલવે મુસાફરોને અપીલ કરે છે કે મુસાફરી દરમિયાન કોઈપણ અજાણ્યા વ્યક્તિની વાતોમાં ન આવે અને પોતાની રોકડ રકમ, મોબાઇલ ફોન તથા બેંક સંબંધિત માહિતી સુરક્ષિત રાખે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત જ આરપીએફ અથવા રેલવે હેલ્પલાઇનને જાણ કરો.
