Western Times News

Gujarati News

પાટણમાં જૂની અદાવતમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત

Files Photo

સિદ્ધપુર, પાટણ શહેરના નિલમ સિનેમા વિસ્તારમાં ગુરુવારે ભરબપોરે જૂની અદાવતમાં થયેલી ફાયરિંગની ઘટનામાં શહેરના બુકડી વિસ્તારમાં રહેતા અને ભેંસોના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડનું મોત નીપજ્યું હતું.

બનાવને પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી ફાયરિંગ કરી ફરાર થયેલા શખ્સને ઝડપી લેવા શહેર ફરતે નાકાબંધી કરી સીસીટીવી ફૂટેજ તપાસી ચક્રોગતિમાન કરાયાં હોવાનું જાણવા મળ્યું છે. શહેરના બુકડી વિસ્તારમાં રહેતા અને ભેંસોના વ્યવસાય સાથે સંકળાયેલા યુસુબખાન ચાંદખાન પઠાણ (ઉ.વ. ૫૦) સવારે ૧૧ વાગ્યાના સુમારે નિલમ સિનેમા વિસ્તારમાં ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ઝહીર ઉર્ફે ખોખરા, સાહિદ સાજીદ શેખ અને એઝાઝ ઉર્ફે વેતીયો રસુલભાઈ સિપાઈએ રિક્ષામાંથી ઉતરી યુસુફ ખાનની કાર રોકાવીને ઝહીર ઉર્ફે ખોખરાએ પોતાના હાથમાં રહેલા રિવોલ્વર જેવા હથિયારથી ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાં યુસુબખાન પઠાણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ પાટણ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવાઇ હતી. આ મામલે મૃતકના ભત્રીજા સલમાનખાન હૈદરખાન પઠાણે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસખાન બેલીમ (રહે. રસુલ તળાવ, સિદ્ધપુર), સાહિદ સાજિદ શેખ (બુકડી, પાટણ), એઝાઝ ઉર્ફે વેંતીયો રસૂલભાઈ સિપાઈ (નિલમ સિનેમા પાસે, પાટણ), ઇમરાનખાન મહંમદખાન બલોચ અને મહંમદખાન ઉર્ફે ખાંસાબ બલોચ(રહે. બુકડી, પાટણ) વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.