Western Times News

Gujarati News

૧૨ વર્ષ નાના પ્રેમી માટે પત્નીએ રચ્યો પતિની હત્યાનો ખેલ

મૈનપુરી, ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં પ્રેમ સંબંધને કારણે થયેલી એક હત્યાની ઘટના સામે આવી છે. પોલીસે કિશની વિસ્તારમાં આવેલા સુલતાનપુર ગામના નિવાસી કમલેશ યાદવની હત્યાનો ભેદ ઉકેલી લીધો છે.

તપાસમાં બહાર આવ્યું છે કે કમલેશની પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાનો ખેલ રચ્યો હતો.કમલેશ યાદવ કાસગંજની એક ડેરીમાં કામ કરતો હતો. કમલેશ જ્યારે કામે જતો ત્યારે તેની ગેરહાજરીમાં ૨૮ વર્ષનો સિથલેશ તેના ઘરે આવતો હતો. કમલેશની પત્ની સુનીતિ (૪૦) સિથલેશ કરતાં ૧૨ વર્ષ મોટી હતી.

બંને વચ્ચે લગભગ ચાર વર્ષથી પ્રેમ સંબંધ ચાલતો હતો. કમલેશને આ સંબંધ વિશે જાણ હોવા છતાં તે કોઈ કડક પગલું લઈ શકતો નહોતો, કારણ કે સિથલેશ અને કમલેશ વચ્ચે મિત્રતા પણ હતી અને બંને સાથે મળીને દારૂ પણ પીતાં હતા. છેલ્લા થોડા સમયથી કમલેશે પત્ની પર નજર રાખવાનું શરૂ કર્યું હતું, જેના કારણે સુનીતિ પોતાના પ્રેમીને મળવામાં મુશ્કેલી અનુભવી રહી હતી.

આ પરિસ્થિતિથી કંટાળી સુનીતિએ પોતાના પ્રેમી સિથલેશને કમલેશને રસ્તામાંથી હટાવવા માટે કહ્યું. ત્યારબાદ સિથલેશે પોતાના બે મિત્રો દીપક કશ્યપ અને ભુરે ઉર્ફે વિશ્નુ કુમાર સાથે મળીને કમલેશની હત્યાની યોજના બનાવી.પોલીસ મુજબ આરોપીઓએ પહેલા પણ ત્રણ વખત કમલેશને મારવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ તેઓ સફળ થયા નહોતા. ૧૪ અને ૧૫ ફેબ્રુઆરીએ સિથલેશ કાસગંજની ડેરી પર ગયો હતો અને કમલેશને બોલાવ્યો હતો, પરંતુ તે આવ્યો નહોતો.

૧૬ ફેબ્રુઆરીએ કમલેશ ડેરી પર આવ્યો ત્યારે તેની સાથે અન્ય કર્મચારી હોવાના કારણે આરોપીઓ સફળ થયા નહોતા. અંતે ૨૦ ફેબ્રુઆરીએ કમલેશ રજા લઈને ઘરે આવી રહ્યો હતો ત્યારે સિથલેશ અને તેના સાથીઓએ તેને ઘર સુધી છોડવાની વાત કહી કારમાં બેસાડ્યો. રસ્તામાં તેને દારૂ પીવડાવી ગળું ઘોંટી તેની હત્યા કરી નાખી અને મૃતદેહ કિશની વિસ્તારમાં ઘઉંના ખેતરમાં ફેંકી દીધો.

૨૫ ફેબ્રુઆરીએ કિશની વિસ્તારમાં આવેલા બેવર–ઇટાવા માર્ગ પાસે આવેલા ખેતરમાં કમલેશનો મૃતદેહ મળ્યો હતો. કમલેશ ૨૦ ફેબ્રુઆરીથી લાપતા હતો. તેના ભાઈએ અપહરણ અને હત્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું ઘોંટી હત્યા કરવામાં આવી હોવાની પુષ્ટિ થઈ.

પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો કે કમલેશની પત્ની સુનીતિ ઉર્ફે સંગીતાએ જ પ્રેમી સાથે મળીને હત્યાની યોજના બનાવી હતી.આરોપીઓ વચ્ચે વાતચીત માટે વોટ્‌સએપ કોલનો ઉપયોગ કરવામાં આવતો હતો અને ઘટનાના સમયે તેઓએ મોબાઈલ ફોન પણ બંધ રાખ્યા હતા.કિશની પોલીસે આ કેસમાં સુનીતિ, સિથલેશ, દીપક કશ્યપ અને ભુરે ઉર્ફે વિશ્નુ કુમારને ધરપકડ કરી છે.

તેમની પાસેથી ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી કાર, તમંચો, કારતૂસ અને ત્રણ મોબાઈલ ફોન સહિત અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ચારેય આરોપીઓને જેલમાં મોકલી આપ્યા છે. એસપી સિટી અરુણ કુમાર સિંહના જણાવ્યા અનુસાર કમલેશ યાદવની હત્યા ગેરકાયદેસર સંબંધમાં અવરોધ બનવાના કારણે કરવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.