પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મમતાનો ખેલ ૭૪ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી
કોલકાતા, પશ્ચિમ બંગાળમાં સતત ચોથી ટર્મ મેળવવાના લક્ષ્ય સાથે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે(ટીએમસી)એ મંગળવારે વિધાનસભાની ૨૯૪ બેઠકો પૈકી ૨૯૧ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.
સત્તા વિરોધી લહેરને ખાળવા માટે પાર્ટીએ મોટો ફેરફાર કરતા ૭૪ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે.તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ યાદી જાહેર કરતા સ્પષ્ટ કર્યું કે તેઓ પોતે ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડશે. અહીં તેમનો સીધો મુકાબલો ભાજપના નેતા અને વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારી સામે થશે.
૨૦૨૧ની નંદીગ્રામની ટક્કર બાદ આ બંને દિગ્ગજો ફરી એકવાર આમને-સામને થશે. મમતાએ દાવો કર્યાે છે કે તૃણમૂલ કોંગ્રેસ ૨૨૬થી વધુ બેઠકો જીતીને ફરી સત્તામાં આવશે. ઉમેદવારોમાં જાતિગત પ્રતિનિધિત્વની વાત કરીએ તો – કુલ ૨૯૧ માંથી ૧૪૯ સામાન્ય અને ઓબીસી વર્ગના, ૭૮ અનુસૂચિત જાતિના, ૧૭ અનુસૂચિત જનજાતિના અને ૪૭ ઉમેદવારો લઘુમતી સમુદાયના છે. પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલના રોજ મતદાન યોજાશે.
આ ચૂંટણી તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ બંને માટે અસ્તિત્વની લડાઈ સમાન છે.પશ્ચિમ બંગાળના કાલિગંજમાં ઉમેદવારની પસંદગીથી નારાજ ડાબેરી કાર્યકરોએ પોતાની જ પાર્ટી ઓફિસમાં તોડફોડ કરી હતી. સીપીઆઈ(એમ)ના નેતૃત્વએ પેટાચૂંટણીમાં મૃત્યુ પામેલી બાળકીની માતા સબીના યાસ્મિનને ઉમેદવાર બનાવતા આંતરિક રોષ ફાટી નીકળ્યો હતો.
ઉશ્કેરાયેલા કાર્યકરોએ ફર્નિચર અને દસ્તાવેજોને નુકસાન પહોંચાડી ઉમેદવાર બદલવાની માંગ કરી હતી. જોકે, યાસ્મિને આ ઘટનાને વિપક્ષનું કાવતરું ગણાવ્યું હતું, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે આ વિવાદમાં પોતાની કોઈ પણ ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યાે હતો.SS1MS
