Western Times News

Gujarati News

ફેસબુક ફ્રેન્ડે હનીટ્રેપમાં ફસાવી વેપારી પાસે ૩૦ લાખ માગ્યા

પ્રતિકાત્મક

અમદાવાદ, શહેરમાં હનીટ્રેપના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે નરોડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને વેપારીને ફેસબુક પર મિત્રતા કેળવી એક મહિલાએ મળવા બોલાવ્યા હતા.

ત્યારબાદ તેના સાગરીતોએ નકલી પોલીસ બની વેપારીને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી માગી હતી. આ દરમિયાન નાના ચિલોડા પાસે ફિલ્મી ઢબે વેપારીનું અપહરણ કરી લૂંટ ચલાવી હતી. ત્રણ લાખ પડાવ્યા બાદ વધુ પાંચ લાખની માગણી કરતા ભાંડો ફૂટ્યો હતો.

આ મામલે નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે. નોંધનીય છે કે, રામોલ પોલીસે હનીટ્રેપમાં ફસાવી લોકો પાસે લાખો પડાવતી ટોળકીને ઝડપી લીધી હતી. આ જ ટોળકીએ ઘાટલોડિયાના વેપારીને પણ લૂંટ્યો હોવાનું ખૂલ્યું છે.ફરિયાદની વિગત મુજબ, ઘાટલોડિયામાં રહેતા ૫૪ વર્ષીય મનિષભાઇ નામના વેપારીને ત્રણેક મહિના પહેલા હેતલ પટેલ નામની મહિલાની ફેસબુક પર ળેન્ડ રિક્વેસ્ટ આવી હતી.

ધીરે ધીરે બંને વચ્ચે સોશિયલ મીડિયા અને વોટ્‌સએપ પર વાતચીત શરૂ થઈ હતી. ગત ૬ જાન્યુઆરીના રોજ હેતલે મનિષભાઈને નરોડા નાના ચિલોડા પાસે આવેલા કાકા ભાજીપાંઉ રેસ્ટોરન્ટ પર મળવા બોલાવ્યા હતા. વેપારી પોતાની ફોર્ચ્યુનર કાર લઈને ત્યાં પહોંચ્યા હતા. મુલાકાત બાદ હેતલે પાલજ ગામ સુધી લિફ્ટ માગી હતી.

રસ્તામાં ડભોડા ચાર રસ્તા પાસે જોગણી માતાના મંદિરે દર્શન કરવા ગાડી ઉભી રખાવી હતી. આ દરમિયાન નંબર પ્લેટ વગરની સફેદ સિયાઝ કારમાં ચાર અજાણ્યા શખ્સો આવ્યા હતા, જેમાંથી એકે પોલીસનો યુનિફોર્મ પહેર્યાે હતો. આ શખ્સોએ વેપારીને ધમકાવતા કહ્યું કે, તમારી સાથે જે છોકરી છે તે ડ્રગ્સ સપ્લાય કરે છે અને તમે તેને મદદ કરો છો, તમને આજીવન જેલ થશે. ત્યારબાદ વેપારીને તેમની જ કારમાં પાછળ બેસાડી અપહરણ કરી હિંમતનગર તરફ લઈ ગયા હતા.

રસ્તામાં આ ટોળકીએ કેસ પતાવવા માટે ૩૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. ગભરાયેલા વેપારીએ પોતાના મિત્રને ફોન કરી પૈસા મગાવ્યા હતા અને એરપોર્ટ રિંગ રોડ પર કેબલ બ્રિજ પાસે ૩ લાખ રૂપિયા રોકડા મેળવી આ શખ્સોને આપ્યા હતા. બાકીના ૫ લાખ બીજા દિવસે આંગણિયા દ્વારા મોકલવાનું કહી આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આરોપીઓ સતત ફોન કરીને બાકીના પૈસા માટે દબાણ કરતા હતા, પરંતુ વેપારીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

દરમિયાન, વેપારીને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે, હેતલ પટેલ અને તેની ટોળકી રામોલ પોલીસ સ્ટેશનમાં અન્ય કોઈ ગુનામાં ઝડપાઈ ગઈ છે. આથી હિંમત ભેગી કરી મનિષભાઈએ નરોડા પોલીસ મથકે હેતલ પટેલ અને રવિ નામના શખ્સ સહિત પાંચ શખ્સો સામે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.