લગ્નથી લઈને લિવ-ઇન સુધીના નિયમો બદલાશે: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાને કેબિનેટની મંજૂરી
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકાર હવે ઉત્તરાખંડના માર્ગે ચાલીને રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે સજ્જ થઈ ગઈ છે. તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં યુસીસી બિલના ડ્રાફ્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મો અને જ્ઞાતિઓ માટે લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા વ્યક્તિગત વિષયોમાં સમાનતા લાવવાનો છે.
બધાને એક જ લગ્નનો નિયમ લાગુ થશે. કુલ ૨ ભાગ અને ૭ પ્રકરણોમાં વહેંચાયેલા આ ડ્રાફ્ટમાં લગ્નની નોંધણીને ફરજિયાત કરાઈ છે. જો કે, નોંધણી વગર લગ્ન અમાન્ય નહીં ગણાય, પરંતુ નિયત સમયમાં રજિસ્ટ્રેશન ન કરાવનારા પક્ષકારોને દંડની જોગવાઈનો સામનો કરવો પડશે.
નવા કાયદા હેઠળ છૂટાછેડાની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવાઈ છે. સામાજિક સ્થિરતા જાળવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે કે લગ્ન થયાના એક વર્ષની અંદર કોઈપણ પક્ષ છૂટાછેડા માટે અરજી કરી શકશે નહીં. પરસ્પર સંમતિથી અલગ થવાની પ્રક્રિયાને સરળ બનાવાઈ છે, પરંતુ સાથે જ બાળકોની કસ્ટડી અને ભરણપોષણ બાબતે માનવીય અભિગમ રાખવામાં આવ્યો છે.
બાળકોના હિતોનું રક્ષણ થાય તે માટે કાયદામાં સંતુલિત અને કડક જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી વિખૂટા પડતા દંપતીના સંતાનો નિરાધાર ન બને.
લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે આ કાયદો ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. હવેથી આવા સંબંધોમાં રહેતા કપલે સ્થાનિક રજિસ્ટ્રાર પાસે તેની ફરજિયાત નોંધણી કરાવવી પડશે. મહત્ત્વની વાત એ છે કે લિવ-ઇન સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસરની માન્યતા મળશે અને તેમને પિતાની મિલકતમાં તમામ હકો પ્રાપ્ત થશે.
જો કોઈ વ્યક્તિ લિવ-ઇનની માહિતી છુપાવશે અથવા ખોટી વિગતો આપશે, તો તેને જેલવાસ અથવા આકરા દંડની સજા થઈ શકે છે. સંબંધ પૂરો કરવા માટે પણ રજિસ્ટ્રારને જાણ કરવી અને સર્ટિફિકેટ મેળવવું આવશ્યક રહેશે. મિલકતના વારસા હક બાબતે યુસીસી ઐતિહાસિક પરિવર્તન લાવશે.
અત્યાર સુધી અલગ-અલગ ધર્મોમાં વારસાના નિયમો જુદા હતા, પરંતુ હવે ધર્મ કે જાતિના ભેદભાવ વગર પુત્ર અને પુત્રી બંનેને મિલકતમાં સમાન અધિકાર મળશે. વસિયતનામું બનાવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે જેથી ભવિષ્યમાં વારસદારો વચ્ચે કાયદાકીય વિવાદો ન સર્જાય. આ પગલાથી ખાસ કરીને મહિલાઓને આર્થિક સુરક્ષા અને સમાનતાનો હક મળશે, જે સામાજિક ન્યાયની દિશામાં મોટું કદમ છે.
