Western Times News

Gujarati News

રાજસ્થાનમાં કરા પડવાની ચેતવણી, હિમાચલમાં હિમવર્ષા: ૨૨ ફ્‌લાઇટ્‌સને ડાયવર્ટ કરાઈ

file photo

યુપી, દિલ્હી અને હરિયાણામાં ભારે વાવાઝોડું-વરસાદ

નવી દિલ્હી, દેશના ઘણા ભાગોમાં હવામાને અચાનક પલટો લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી વાવાઝોડું, વરસાદ અને કરા પડવાનો દોર ચાલુ છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી આવું જ હવામાન રહી શકે છે.

બુધવારે સાંજે દિલ્હી, હરિયાણા અને યુપીના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો. દિલ્હીમાં બુધવારે સાંજે ધૂળભરી આંધી અને ભારે વરસાદને કારણે ફ્‌લાઇટ્‌સ પર અસર પડી. ખરાબ હવામાનને કારણે ૨૨ ફ્‌લાઇટ્‌સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી.

યુપીના ગાઝિયાબાદ અને નોઈડામાં આંધી સાથે વરસાદ થયો. મેરઠમાં પણ ઝરમર વરસાદ થયો. નોઈડાના જેવર એરપોર્ટ પર ૬૩ કિમીની ઝડપે પવનો નોંધાયા. જ્યારે ગાઝિયાબાદના હિન્ડનમાં ૪૪ની ઝડપે પવન ફૂંકાયો. હરિયાણાના રેવાડીમાં બુધવારે સાંજ થતા-થતા ભારે વરસાદ સાથે કરા પડ્‌યા. જ્યારે ભિવાની, હિસાર, સિરસા, પાણીપત, નારનૌલ અને મહેન્દ્રગઢમાં પણ વરસાદ થયો.

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ અને મનાલીમાં બુધવારે સાંજે હિમવર્ષા થઈ. ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી અને શિમલા જિલ્લાઓમાં ભારે વરસાદ, વાવાઝોડું, વીજળી પડવાની અને કરા પડવાની સંભાવના છે. સાથે જ ૪૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં વરસાદ, તેજ પવનો અને કરા પડવાનું એલર્ટ જાહેર કર્યું છે.
નાગાલેન્ડમાં ભારે વાવાઝોડા અને વરસાદને કારણે ૪૬ પરિવારો પ્રભાવિત થયા છે. ચુમૌકેડિમા અને પેરેન જિલ્લાઓમાં અનેક ઘરો અને વીજળીના થાંભલાઓને નુકસાન થયું છે. મોન જિલ્લાની એક સરકારી શાળાને પણ નુકસાન થયું, જેના કારણે મધ્યાહન ભોજન પ્રભાવિત થયું. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. ૨૦-૨૧ માર્ચ- હવામાન વિભાગે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરીને હળવા વરસાદ અને તેજ પવનોની સંભાવના વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં કરા પડવાનું એલર્ટ. હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને ભારે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશમાં વાવાઝોડાનું એલર્ટ છે. નોર્થ-ઈસ્ટમાં પણ ભારે વરસાદની આશંકા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.