Western Times News

Gujarati News

ધો.૧૦ અને ૧૨ના પરિણામ વહેલા જાહેર કરવા કવાયત

(એજન્સી) ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ સંપન્ન થયા બાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ વહેલી તકે જાહેર કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૪૫ જેટલા નિર્ધારિત કેન્દ્રો પર ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

સામાન્ય રીતે રવિવારે રજા હોવા છતાં, આ વખતે પરિણામ સમયસર અને ઝડપથી તૈયાર થઈ શકે તે હેતુથી રવિવારના દિવસે પણ પેપર ચેકિંગની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. શિક્ષકો અને બોર્ડના કર્મચારીઓ રજાના દિવસે પણ કેન્દ્રો પર હાજર રહીને કામગીરી પૂર્ણ કરવા માટે દોડધામ કરી રહ્યા છે.

અમદાવાદમાં પેપર ચેકિંગની આ પ્રક્રિયામાં અંદાજે ૪૦૦૦થી વધુ શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફ જોડાયો છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ ૪૫ કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા અને કડક દેખરેખ હેઠળ શિક્ષકો દ્વારા પેપરની ચકાસણી કરવામાં આવી રહી છે.

શિક્ષણ વિભાગનો ઉદ્દેશ્ય છે કે આ વર્ષે પરિણામ ગત વર્ષોની સરખામણીએ વહેલું જાહેર કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ આગળના અભ્યાસક્રમો માટે સમયસર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.