Western Times News

Gujarati News

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવે નર્મદા પરિક્રમા ખાતે ઊભી કરાયેલ સુવિધાઓની સમીક્ષા કરી

ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્રને ચરિતાર્થ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ધાર્મિક પરંપરાઓના સંરક્ષણ સાથે આધુનિક સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
પવિત્ર ભૂમિ પર ગત ૧૯ માર્ચ (ફાગણ વદ અમાસ)થી પ્રારંભ થયેલી અને ૧૭ એપ્રિલ (ચૈત્ર વદ અમાસ) સુધી ચાલનારી ૩૦-દિવસીય ‘ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા’ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે. આ પરિક્રમા દરમિયાન યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે માન. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને માન. રા.ક.મંત્રી શ્રી જયરામભાઇ ગામીતના માર્ગદર્શન હેઠળ બોર્ડ દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાઓની ગુણવત્તા તપાસવા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજાએ શુક્રવાર ૨૦ માર્ચ, ૨૦૨૬ના રોજ પરિક્રમા રૂટ અને વિવિધ ઘાટની રૂબરૂ મુલાકાત લઈ સમિક્ષા કરી હતી.
રામપુરા ઘાટની મુલાકાત, આત્મીય સંવાદ અને સુરક્ષાની સમીક્ષા:
સચિવ શ્રી રમેશ મેરજાએ રામપુરા ઘાટ ખાતે પહોંચીને સૌથી પહેલાં શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવેલી જેટી અને બોટિંગ વ્યવસ્થાની સમિક્ષા કરી હતી. તેમણે ખાસ કરીને લાઈફ જેકેટના ઉપયોગ અને સલામતીના નિયમોના ચુસ્ત પાલન પર ભાર મૂક્યો હતો. યાત્રિકો માટે પીવાનું પાણી, સ્નાન માટેના ઘાટ, મહિલાઓ માટે અલાયદા ચેન્જિંગ રૂમ, લાઇટિંગ અને આરોગ્ય કેન્દ્રોની સુવિધા તેમણે પ્રત્યક્ષ નિહાળી હતી. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે કાર્યરત સીસીટીવી (CCTV) કંટ્રોલ રૂમની પણ તેમણે મુલાકાત લીધી હતી.
પરિક્રમાના રૂટ પર પદયાત્રા દરમિયાન સચિવશ્રીએ શ્રદ્ધાળુઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો અને સુવિધાઓ અંગે તેમનો પ્રતિભાવ મેળવ્યો હતો. યાત્રા માર્ગ પર તેમણે મિશન મંગલમની બહેનો દ્વારા ચલાવવામાં આવતા સ્ટોલની મુલાકાત લઈ તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ ઉપરાંત, શ્રી મેરજાએ મા નર્મદાના દર્શન અને આરતીમાં ભાગ લઈ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે સેવાભાવી સંસ્થાઓ અને આશ્રમો દ્વારા આપવામાં આવતા ભોજન-વિશ્રામની વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી. બોર્ડ દ્વારા કરવામાં આવેલા સુઆયોજિત પાર્કિંગ અને વિશ્રામ સ્થળોની સગવડથી યાત્રિકોને પડતી સરળતા જોઈ સચિવશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઊભી કરાયેલી માળખાકીય સુવિધાઓ:
  બોર્ડ દ્વારા યાત્રાળુઓ માટે વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં ખાટલા, ગાદલા, ઓશીકા અને આરામની બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ યુનિટ, ૨૪x૭ એમ્બ્યુલન્સ, ક્લોક રૂમ અને સ્વચ્છતા માટેની સઘન સવલતો ઉપલબ્ધ કરાવાઈ છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની આ તડામાર તૈયારીઓ, સઘન માળખાકીય સુવિધાઓ અને સતત મોનિટરિંગના પરિણામે પરિક્રમા કરી રહેલા લાખો શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પોતાનો આધ્યાત્મિક પ્રવાસ પૂર્ણ કરી રહ્યા છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.