Western Times News

Gujarati News

ડાકોરના ગરીબ ફેરિયાને ૧૯.૮૪ કરોડના ટર્નઓવર અંગે ઇન્કમટેક્સની નોટિસ

નડિયાદ, ડાકોરમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સરકારી તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા થયા છે. ડુંગળા ભાગોળ વિસ્તારમાં આવેલા સત્યનારાયણ મંદિર સામે ભાડાના મકાનમાં રહેતા અને ડાકોરના પ્રસિદ્ધ ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા ચિરાગ જગદીશભાઈ ભૈયાને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

અત્યંત સામાન્ય આવક ધરાવતા આ ફેરિયાના ઘરે કરોડો રૂપિયાના વ્યવહાર અંગેની નોટિસ પહોંચતા ભારે આશ્ચર્ય સર્જાયું છે. પેટલાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોકલવામાં આવેલી આ નોટિસમાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૧૧ કરોડ ૮૬ લાખ રૂપિયા અને વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૭ કરોડ ૯૮ લાખ રૂપિયાનું ટર્નઓવર દર્શાવવામાં આવ્યું છે.

આમ, કુલ ૧૯ કરોડ ૮૪ લાખ રૂપિયા જેટલી માતબર રકમના વ્યવહારો આ ગરીબ ફેરિયાના નામે નોંધાયેલા હોવાનું દર્શાવી આ આર્થિક બોજ તેની પર નાખવામાં આવ્યો છે. આ નોટિસ જે રજિસ્ટર્ડ કવરમાં મોકલવામાં આવી છે, તેના પર ૫૫૦૦ રૂપિયાની ટિકિટ લગાવવામાં આવી છે, જે આ સમગ્ર મામલાની ગંભીરતા અને વહીવટી ખામી તરફ ઈશારો કરે છે.

પોતાના જીવનનિર્વાહ માટે રસ્તા પર મૂર્તિ વેચતા આ અભણ ફેરિયાને જ્યારે નોટિસ મળી, ત્યારે તે આઘાતમાં સરી પડ્યો હતો. નોટિસમાં રહેલી આટલી મોટી રકમ જોઈને તે હતપ્રભ થઈ ગયો હતો અને આસપાસના લોકો પાસે જઈને આ નોટિસ બાબતે પૂછપરછ શરૂ કરી હતી. નોટિસની ગંભીરતા અને તેમાં દર્શાવેલી કરોડોની રકમ વિશે જાણકારી મળતા જ આ ફેરિયો માનસિક રીતે ફસડાઈ પડ્યો હતો.

એક સામાન્ય ફેરિયા પર અચાનક આવેલી આ આફતને લઈને તે ભારે ચિંતામાં મુકાઈ ગયો છે. ચિરાગ જગદીશભાઈ ભૈયાએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તે તો માત્ર ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચીને પોતાનું પેટિયું રળે છે. તેણે ક્યારેય કોઈ મોટો વ્યવસાય કર્યાે નથી કે તેની પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી તે અંગે તેને કોઈ જાણ નથી. વહીવટી તંત્રની આ ભૂલને કારણે તે નિર્દાેષ વ્યક્તિ હવે કાયદાકીય મુશ્કેલીમાં ફસાયો છે અને ન્યાય મેળવવા માટે મદદની આશા સેવી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.