ઈરાનમાં લીક થઈ ગયો હતો અમેરિકાનો રેસ્ક્યૂ મિશન પ્લાન!
AI Image
(એજન્સી)વાશિગ્ટન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ઈરાનમાં ફસાયેલા અમેરિકન એરમેનને બચાવવા માટે ચલાવવામાં આવેલા અત્યંત ગુપ્ત અને જોખમી રેસ્ક્યૂ ઓપરેશનની વિગતો જાહેર કરી છે. ટ્રમ્પે આશ્ચર્યજનક દાવો કર્યાે હતો કે, આ સંવેદનશીલ ઓપરેશન દરમિયાન તેમના પ્રશાસનમાંથી જ કોઈ ‘ભેદિયા’એ માહિતી લીક કરી હોઈ શકે છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે આ અજ્ઞાત વ્યક્તિને શોધવા માટે તપાસ તેજ કરી દેવામાં આવી છે, કારણ કે આ માહિતી લીક થવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલા જવાનો અને ફસાયેલા સૈનિક બંનેની જાન જોખમમાં મુકાઈ હતી.આ ઘટનાની શરૂઆત ૨ એપ્રિલે થઈ હતી, જ્યારે ઈરાને પોતાના એરસ્પેસમાં અમેરિકન એફ-૧૫ઈ લડાયક વિમાનને તોડી પાડ્યું હતું.
વિમાનમાં સવાર પાયલટને અમેરિકન સેનાએ તાત્કાલિક બચાવી લીધો હતો, પરંતુ બીજા જવાનને શોધવા માટે એક વિશાળ સૈન્ય અભિયાન હાથ ધરવું પડ્યું હતું. આ ઓપરેશનની ગુપ્ત વિગતો અકાળે જાહેર કરવા બદલ ટ્રમ્પે મીડિયા સામે પણ આકરા તેવર બતાવ્યા છે.
તેમણે કોઈ ચોક્કસ સંસ્થાનું નામ લીધા વિના જણાવ્યું કે, જે પત્રકારે આ સમાચાર બ્રેક કર્યા છે તેણે પોતાના સોર્સનું નામ જાહેર કરવું પડશે, અન્યથા તેણે જેલ જવું પડશે. ટ્રમ્પના મતે, આ માહિતી જાહેર થવાથી ઈરાની સુરક્ષા દળો સતર્ક થઈ ગયા હતા.
