Western Times News

Gujarati News

ખેડાઃ પિંગળજ પાસે ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પિંગળજ ગામની સીમમાં પેટ્રોલ-ડીઝલના ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ઇંધણની ચોરી કરતી ગેંગના એક સાગરીતને ખેડા-નડીયાદ એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડ્‌યો છે. પોલીસે સ્થળ પરથી ૭૫ લીટર પેટ્રોલ, ૮૫ લીટર ડીઝલ અને ચોરી કરવા માટે વપરાતા સાધનો સહિત કુલ્લે ૨૦,૨૭૫/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર ડીશપી.સિમ્પી અને માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન પીએસઆઇ એસ.વી.ગોસ્વમી એ.એસ.આઇ. હેમતકુમારને ખાનગી બાતમીદારથી ચોક્કસ બાતમી મળી હતી કે,

ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં પિંગળજ ગામની સીમમાં આવેલ ધર કા ઢાબા હોટલ અને બી.પી.સી.એલ. પ્લાન્ટની વચ્ચે આવેલા ર્પાકિંગ એરીયામાં કેટલાક ઇસમો ટેન્કરના સીલ તોડી પાઇપ વડે ઇંધણની ચોરી કરી રહ્યા છે.

આ બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે રેઇડ કરતા મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ અમદાવાદ અસલાલી ખાતે રહેતા સંદિપસીંહ હરીકુંવરસીંહ રાજપુતને ઝડપી પાડ્‌યો હતો. જોકે, અંધારાનો લાભ લઇ અન્ય ત્રણ અજાણ્યા ઇસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ કેરબામાં ભરેલું ૭૫ લીટર પેટ્રોલ (કિંમત રૂ. ૭,૧૨૫/-), પાંચ કેરબામાં ભરેલું ૮૫ લીટર ડીઝલ (કિંમત રૂ. ૭,૬૫૦/-) તથા પાંચ નંગ ખાલી પ્લાસ્ટિકના કેરબા જપ્ત કર્યા હતા.

આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી લોખંડની ટોમી, પાનું, પ્લાસ્ટિકની પાઇપ, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ૨૦,૨૭૫/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી.ગોસ્વામી, એ.એસ.આઇ. હેમતકુમાર, હેડ કોન્સ્ટેબલ ચિરાગકુમાર, કુંદનકુમાર, વનરાજભાઇ અને અન્ય કર્મચારીઓ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.