2028 થી પેટ્રોલ ટુ-વ્હીલર પર પ્રતિબંધની દરખાસ્ત: દિલ્હી સરકારની નવી EV પોલિસી ૨.૦ જાહેર
પ્રતિકાત્મક
નવી દિલ્હી, ૧૧ એપ્રિલ : દિલ્હી સરકાર દ્વારા શનિવારે ‘ડ્રાફ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી ૨.૦ (૨૦૨૬-૨૦૩૦)’ રજૂ કરવામાં આવી છે. આ નવી પોલિસીમાં નાણાકીય લાભો, ટેક્સમાં છૂટછાટ અને તબક્કાવાર પ્રતિબંધોનું મિશ્રણ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય રાજધાનીમાં ક્લીન મોબિલિટી (પ્રદૂષણ મુક્ત પરિવહન) ને વેગ આપવાનો છે.
પરિવહન વિભાગના EV સેલ દ્વારા બહાર પાડવામાં આવેલો આ ડ્રાફ્ટ ૩૦ દિવસ માટે જાહેર પરામર્શ (સૂચનો) માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય દિલ્હીના સતત વધતા વાયુ પ્રદૂષણનો સામનો કરવાનો અને ઇલેક્ટ્રિક વાહનો (EV) ના વપરાશને પ્રોત્સાહન આપવાનો છે. ડ્રાફ્ટમાં ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ જવા માટે કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
ટેક્સ અને રજીસ્ટ્રેશનમાં છૂટછાટ
સરકારે ૩૧ માર્ચ, ૨૦૩૦ સુધી ઇલેક્ટ્રિક વાહનો માટે રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફીમાં ૧૦૦ ટકા મુક્તિ આપવાની દરખાસ્ત કરી છે. ₹૩૦ લાખ સુધીની કિંમતની ઇલેક્ટ્રિક કારને સંપૂર્ણ છૂટ મળશે, જ્યારે સ્ટ્રોંગ હાઇબ્રિડ વાહનોને ૫૦ ટકા છૂટ આપવામાં આવશે. જોકે, ₹૩૦ લાખથી વધુ કિંમતની ઇલેક્ટ્રિક કાર ટેક્સ લાભો માટે પાત્ર રહેશે નહીં.
પેટ્રોલ વાહનો પર પ્રતિબંધની સમયમર્યાદા
-
ટુ-વ્હીલર: ૧ એપ્રિલ, ૨૦૨૮ થી નવા પેટ્રોલ સંચાલિત ટુ-વ્હીલરના રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. દિલ્હીમાં વાહનોની કુલ સંખ્યામાં ટુ-વ્હીલરનો હિસ્સો લગભગ ૬૭ ટકા છે.
-
થ્રી-વ્હીલર: ૧ જાન્યુઆરી, ૨૦૨૭ થી ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર ફરજિયાત બનાવવામાં આવશે.
-
કોમર્શિયલ ઓપરેટર્સ: ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી એગ્રીગેટર્સ અને કોમર્શિયલ ઓપરેટર્સ તેમના કાફલામાં નવા પેટ્રોલ કે ડીઝલ ટુ-વ્હીલર અથવા હળવા માલવાહક વાહનો (૩.૫ ટન સુધીના) ઉમેરી શકશે નહીં.
મળવાપાત્ર સબસિડી (પ્રોત્સાહન રકમ)
પોલિસીમાં વહેલા સ્વીકાર કરનારાઓને વધુ લાભ આપવા માટે સમયબદ્ધ પ્રોત્સાહનો પ્રસ્તાવિત કર્યા છે, જે ત્રણ વર્ષમાં ઘટતા જશે:
-
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (કિંમત ₹૨.૨૫ લાખ સુધી): પ્રથમ વર્ષે ₹૧૦,૦૦૦ પ્રતિ kWh (મહત્તમ ₹૩૦,૦૦૦), બીજા વર્ષે ₹૬,૬૦૦ પ્રતિ kWh (મહત્તમ ₹૨૦,૦૦૦) અને ત્રીજા વર્ષે ₹૩,૩૦૦ પ્રતિ kWh (મહત્તમ ₹૧૦,૦૦૦).
-
ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર: પ્રથમ વર્ષે ₹૫૦,૦૦૦, બીજા વર્ષે ₹૪૦,૦૦૦ અને ત્રીજા વર્ષે ₹૩૦,૦૦૦.
-
ઇલેક્ટ્રિક લાઇટ કોમર્શિયલ વ્હીકલ્સ (N1 કેટેગરી): પ્રથમ વર્ષે ₹૧ લાખ, બીજા વર્ષે ₹૭૫,૦૦૦ અને ત્રીજા વર્ષે ₹૫૦,૦૦૦.
સ્ક્રેપેજ ઇન્સેન્ટિવ (જૂના વાહનોના નિકાલ પર લાભ)
₹૩૦ લાખ સુધીની ઇલેક્ટ્રિક કાર ખરીદનારાઓ જો તેમના ૬ મહિના જૂના BS-IV કે તેનાથી જૂના વાહનો સ્ક્રેપ (ભંગાર) કરાવશે, તો તેઓ ખાસ પ્રોત્સાહનના પાત્ર બનશે. આ લાભ પ્રથમ ૧ લાખ અરજદારોને જ મળશે. આ ઉપરાંત, જૂના પ્રદૂષિત વાહનોને બદલવા માટે ટુ-વ્હીલર પર ₹૧૦,૦૦૦, થ્રી-વ્હીલર પર ₹૨૫,૦૦૦ અને N1 ગુડ્સ વ્હીકલ પર ₹૫૦,૦૦૦નું સ્ક્રેપેજ ઇન્સેન્ટિવ પ્રસ્તાવિત છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ પ્રોત્સાહક રકમ ‘PM E-DRIVE’ યોજનાની માર્ગદર્શિકા મુજબ ઓનલાઇન ક્લેમ કર્યા પછી સીધા બેંક ટ્રાન્સફર (DBT) દ્વારા ચૂકવવામાં આવશે.
