Western Times News

Gujarati News

ગાંધીનગરની સરકારી હાઈસ્કૂલોની દુર્દશા!

સરકારી હાઈસ્કૂલ બંધ થયાને વર્ષો થઈ ગયા પણ તેના વિશાળ કમ્પાઉન્ડ ધરાવતા તોતિંગ મકાનનુ શું કરવું એ અંગે હજુ સુધી કોઈ નિર્ણય સરકાર લઈ શકી નથી.

ગાંધીનગર, ગુજરાત સરકારની શિક્ષણનિતિની એ બલિહારી છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક પણ સરકારી હાઈસ્કૂલ અસ્તિત્વ નથી ધરાવતી.જરાય સાચુ માનવાનું મન ન થાય એવી એક વાત તો એ છે કે સરકારના એક પ્રીતિપાત્ર આઈ.એ.એસ.અધિકારીની પત્નીની સ્કૂલ વધુ સારી રીતે ચાલે અને એ સંસ્થાને સંખ્યા મળી રહે એ માટે ગાંધીનગરની તમામ હાઈસ્કૂલ બંધ કરી દેવામાં આવી છે!

એ ઉપરાંત વધુ કમનસીબી શરમજનક વાત તો એવી છે કે બંધ કરેલી હાઈસ્કૂલના સુવિધાયુકત અને તોતિંગ મકાનોનું શું કરવું તે પણ વિચારવામાં નથી આવ્યું તેને પરીણામે બંધ પડેલી હાઈસ્કૂલના મકાન સડે છે. તેનુ એક હાજરાહજૂર ઉદાહરણ સેક્ટર -૨૭મા આવેલી મહારાણા પ્રતાપ વિદ્યામંદિર છે.

આ સરકારી હાઈસ્કૂલ બંધ થયાને વર્ષો થઈ ગયા પણ તેના વિશાળ કમ્પાઉન્ડ ધરાવતા તોતિંગ મકાનનુ શું કરવું એ અંગે હજુ સુધી કોઈ નિર્ણય સરકાર લઈ શકી નથી.

તેને કારણે એ ભવ્ય ઈમારત સડવા માંડી છે. ભીંતમાં પોપડા ઉખડી ગયા છે, દિવાલમાં પીપળો ફૂટી નીકળ્યો છે અને તેના કમ્પાઉન્ડમાં ઝૂંપડીપટ્ટી બનવાનું શરૂ થઈ ગયું છે અને એ સ્કૂલનું મેદાન જાણે ડમ્પિંગ સાઈડ હોય એમ ત્યાં કચરાના ઢગલા થવા માંડ્‌યા છે. ગુજરાતનુ શિક્ષણ ખાતુ આ તરફ ધ્યાન આપે ખૂબ જરૂરી છે. અન્યથા એક ભવ્ય ઈમારત પડીને પાદર થઈ જશે એવો ભય લાગે છે!

કાર્યકર તો ગણપતસિંહ અર્જુનસિંહ વાઘેલા જેવા હોવા જોઈએ

૨૦૨૩થી વિશ્વ હિન્દુ પરિષદના ગાંધીનગર જિલ્લાના મંત્રીનું દાયિત્વ સંભાળતા ગણપતસિંહ અર્જુનસિંહ વાઘેલા એક મળવા જેવા માણસ છે.સંઘ અને પક્ષના એક નિષ્ઠાવાન કાર્યકરને શોભે એવી મિલનસાર પ્રકૃતિ ધરાવતા ગણપતસિંહ ઉદાર,પ્રેમાળ, નમ્ર અને ભલા માણસ છે.

સુખી અને સમૃદ્ધ કુટુંબમાંથી આવતા વાઘેલાએ ગાંધીનગર સેકટર -૭મા આવેલા ‘ભારત માતા મંદિર’ના સંચાલનની જવાબદારી સંભાળ્યા પછી તેના સંચાલનમાં આમૂલ પરિવર્તન લાવી દીધું.આ મંદિર પાસે એક સુવિધાજનક હોલ છે. તે હોલની સુવિધાઓમાં વધારો કરવાનું મિશન વાઘેલાએ નિષ્ઠાપૂર્વક ઉપાડ્‌યું છે.

સૌથી મોટી વાત એ છે કે વાઘેલા દીર્ઘદ્રષ્ટિ રાખીને એવા પવિત્ર પ્રયત્ન કરી રહ્યા છે કે ‘ભારત માતા મંદિર’નાં સભાગૃહનો ઉપયોગ સમાજના વધુમાં વધુ લોકો કરે.તેઓ માને છે કે આ સમાજની મિલકત છે અને તે સુવિધા આમજનસમૂહની સુધી પહોંચવી જ જોઈએ.

આ અંગેની એક નોંધપાત્ર ઘટના એવી છે કે વાઘેલાએ મજુરી કરીને ગુજરાન ચલાવતા અને આર્થિક સંકડામણ ભોગવતા એક નાના માણસની દીકરીના લગ્ન માટે ભારત માતા મંદિરનો હોલ વિનામૂલ્યે આપવાની ઓફર કરી હતી!

જો કે એ વ્યક્તિએ પણ ખાનદાની દાખવીને પોતાની પહોંચ અનુસારનું ભાડું સંસ્થાને ચૂકવ્યું હતું.જાહેર મિલકતનું સંચાલન માલીક તરીકે નહીં પણ ટ્રસ્ટી તરીકે વર્તીને કેવી સરસ રીતે કરી શકાય તેનો હાજરાહજૂર દાખલો ગણપતસિંહ વાઘેલા છે.

પોતાને મળેલુ સરકારી ક્વાર્ટર પેટા ભાડે આપીને બેઈમાની કરતા કર્મચારીઓ!

ગુજરાત સરકારના કેટલાક કર્મચારીઓ સરકાર સાથે ગંદી અને અનૈતિક બેઈમાની કરી રહ્યા છે.સરકાર દ્વારા તેમને પુરતી સુવિધાઓ સાથે રાહત દરે ફાળવવામાં આવતા સરકારી ક્વાર્ટરમાં પોતે રહેવા જવાને બદલે તે ક્વાર્ટર પેટા ભાડે આપી દે છે.

હાલ ગાંધીનગરમાં ક્વાર્ટરની ભારે તંગી છે ત્યારે આવું કરતા કર્મચારીઓ પોતાના સાથી કર્મચારીઓનો હક્ક પણ ડુબાડે છે એવું લાગે છે.

આ અંગેનો તાજો દાખલો એ છે કે માર્ગ અને મકાન વિભાગની ફ્‌લાઈંગ સ્ક્વોડ દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન સેક્ટર -૨૨ની ‘જ’ કક્ષાની વસાહતમાં ૪ જેટલા મૂળ લાભાર્થી કર્મચારીઓએ પોતાના સરકારી આવાસ અન્ય વ્યક્તિને પેટા ભાડે આપી દીધાનું પકડાયું છે.

આ ૪ કર્મચારીઓમાં એક પોલીસ કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે. અગાઉ માર્ચ મહિનામાં સેક્ટર -૨૯મા પણ આવી જ રીતે ૩ કર્મચારીઓ પકડાયા હતા. સરકારના નિયમોની વિચિત્રતા તો એ છે કે આખા ગાંધીનગરનાં સરકારી આવાસોની સારસંભાળ રાખતા માર્ગ અને મકાન વિભાગ પાસે આવા પેટા ભાડુઆતો પકડાય ત્યારે તેમની પાસેથી સરકારી લેણું સીધું વસુલ કરવાની સત્તા નથી

આ માટે એ વિભાગે સામાન્ય વહીવટ વિભાગ પાસે જવું પડે છે અને તેને કારણે વહીવટી પ્રક્રિયામાં ગૂંચવણ ઊભી થાય છે અને વિલંબ થાય છે. આ અંગે સરકારે તમામ સત્તાઓ માર્ગ અને મકાન વિભાગને આપી દેતી સરળ નીતિ ઘડવાની જરૂર છે.

ચૂંટણી જાહેર થતાં સ્વર્ણિમ સંકુલ-૧ અને ૨ ખાલીખમ્મ!

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થવાની સાથે જ ગુજરાત રાજ્યના કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ જ્યાં બેસે છે એ સ્વર્ણિમ સંકુલ-૧ અને ૨ હવે ખાલીખમ દેખાય છે.ગત તા.૬,૭,૮, એપ્રિલના દિવસોમાં આ બન્ને સંકુલમાં કોઈ મંત્રી હાજર નહોતા.એ સૌ કાં તો કમલમમાં ગયા હતા

અથવા તો પોતાના મતવિસ્તારમાં પોતાના મનગમતા કાર્યકરોને ટિકિટ મળી રહે તેવી મથામણ કરવા માટે પહોંચી ગયા હતા.આ સૂચવે છે કે હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બન્ને સ્વર્ણિમ સંકુલમાં સચિવાલયમાં નાગરિકોની રજુઆત કે ફરીયાદ સાંભળવાવાળા કોઈ મળશે નહીં.

આ કડવી વાસ્તવિકતા છે અને એ સૌએ સ્વીકારવી રહી. આ પરિસ્થિતિને કારણે મંત્રીઓનો સ્ટાફ ભરપૂર હળવાશ (અને બિનસત્તાવાર વેકેશન)નો આનંદ માણે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.