Western Times News

Gujarati News

ધંધુકામાં ધર્મેશ ગમારા હત્યાકાંડમાં સીટ રચાઈ -4 ઉચ્ચ પોલીસ અધિકારીઓ કરશે ઊંડાણપૂર્વક તપાસ

અમદાવાદ, ધંધુકામાં ધર્મેશ ગમારા હત્યા કેસ મામલે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટના બાદ ધંધુકામાં ફાટી નીકળેલી હિંસા બાદ આ કિસ્સો આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે ઘટનાને ગંભીરતાથી લઈને હાલ આ કેસની તપાસ માટે સીટ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી છે.

આ સીટમાં ડીવાયએસપી, પીઆઈ અને એક પીએસઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સમાવેશ કરાયો છે, જેઓ આખી ઘટનાની નિષ્પક્ષ તપાસ કરશે અને સીટની તપાસ બાદ આખી ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.

વિગતવાર વાત કરીએ તો, ૧૮મી એપ્રિલને શનિવારે બપોરના સમયે બાઈક લઈને જઈ નસીબ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સમીર નામના યુવકના સાથે બાઈક અથડાતા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. બાદમાં સાંજના સમયે ધર્મેશ નસીબ સોસાયટી પાસે પહોંચ્યો,

ત્યારે સમીર અને તેની સાથે રહેલા પરવેજ સહિતના કેટલાક શખ્સોએ ફરી માથાકૂટ શરૂ કરતા મામલો ફરી વિવાદ ઉગ્ર બન્યો હતો. બંને પક્ષ વચ્ચે ઘર્ષણ વધતાં ધર્મેશ ગમારા પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ધર્મેશ ગમારાને પગના ભાગે છરી વાગતા વધુ લોહી વહી જવાના કારણે તેમનું મોત નિપજ્યું હતું.

બાદમાં આ હત્યાની ઘટના બાદ સમાચાર વાયુવેગે ફેલાતા જ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને બંને કોમના લોકો સામસામે આવી ગયા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ બજાર વિસ્તારમાં તોડફોડ અને આગચંપી કરી અનેક દુકાનો, વાહનો અને લારી-ગલ્લાને નિશાન બનાવ્યા હતા.

આ હિંસક બનાવોને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ તાત્કાલિક ખડકી દેવામાં આવી હતી. સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને હિંસા ફેલાવનાર ૨૦ જેટલા લોકોને પકડીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાદ હાલ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ માટે સીટની રચના કરી હોવાનું સામે આવ્યું છે.

નોંધનીય છે કે, ધંધુકામાં ધર્મેશ ગમારા હત્યાકેસની પોલીસે હત્યાના આરોપમાં આરોપી સમીર અને પરવેજ બંનેની ગઈકાલે જ ધરપકડ કરી લીધી હતી. જે બાદ હવે સમગ્ર કેસની ઉચ્ચ તપાસ માટે પોલીસે ડીવાયએસપી કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં સીટની રચના કરી છે. એક ડીવાયએસપી, બે પીઆઈ અને એક પીએસઆઈ એમ કુલ ચાર લોકોની સીટની ટીમ બનાવાઈ છે.

જેમાં ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ, પી. આઈ. રઘુ કરમટીયા, પી. આઈ. કરણ વિહોલ અને પી. એસ. આઈ. એસ. એચ. ઝાલાનો સમાવેશ થાય છે. આ ચારેય પોલીસ કર્મીઓ આખા બનાવની ઊંડાણપૂર્વક તપાસ કરશે અને દર અઠવાડિયે પ્રોગ્રેસ રિપોર્ટ જમા કરાશે. જેથી આગામી સમયમાં આ મામલે શું નવા વળાંકો સામે આવે છે અને પર સૌની નજર ટકેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.