યુદ્ધને કારણે હવે ટ્રમ્પની પોતાની જ રિપબ્લિકન પાર્ટીના નેતાઓમાં ચિંતા અને અસંતોષ વધ્યો
USAના પ્રેસિડન્ટ ટ્રમ્પ વીટો પાવરનો ઉપયોગ કરે, તો તેને ફગાવવા માટે બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે.
અમેરિકન સંસદના નીચલા ગૃહમાં ઈરાન યુદ્ધ અટકાવવાનો પ્રસ્તાવ પસાર-અમેરિકન સંસદમાં થયેલા મતદાનમાં પ્રસ્તાવની તરફેણમાં ૨૧૫ અને વિરોધમાં ૨૦૮ મત પડ્યા હતા-આ પ્રસ્તાવને કાયદેસર રીતે અમલમાં લાવવા માટે તેને સેનેટમાંથી પણ પાસ કરાવવો પડશે.
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સંસદ(હાઉસ આૅફ રિપ્રેઝન્ટેટિવ્સ)માં પોતાની જ પાર્ટીના કારણે મોટો રાજકીય આંચકો લાગ્યો છે.
સંસદમાં બહુમતી ધરાવતી રિપબ્લિકન પાર્ટીની આગેવાની હેઠળ જ બુધવારે એક મહત્ત્વનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ પ્રમુખ ટ્રમ્પને ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધને આગળ વધારતા રોકવાનો છે.
છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધને કારણે હવે ટ્રમ્પની પોતાની જ રિપબ્લિકન પાર્ટીના નેતાઓમાં ચિંતા અને અસંતોષ વધી રહ્યો છે, જે આ મતદાન દરમિયાન સ્પષ્ટપણે બહાર આવ્યો છે.
આ વોર પાવર્સ રિઝોલ્યુશન(યુદ્ધ શક્તિ પ્રસ્તાવ) પર અમેરિકન સંસદમાં થયેલા મતદાનમાં પ્રસ્તાવની તરફેણમાં ૨૧૫ અને વિરોધમાં ૨૦૮ મત પડ્યા હતા. સંસદમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની બહુમતી હોવા છતાં, તેમના જ ચાર સાંસદોએ પક્ષ બદલીને વિપક્ષ ડેમોક્રેટ્સના સમર્થનમાં અને ટ્રમ્પની વિરુદ્ધમાં વોટ આપ્યો હતો. સંસદના બંને ગૃહો(હાઉસ અને સેનેટ)માં પોતાની પાર્ટીની બહુમતી હોવા છતાં ટ્રમ્પને પોતાની જ પાર્ટીના નેતાઓનો વિરોધ નડ્યો છે, જે તેમના માટે એક બહુ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
જોકે, આ મતદાન હાલ પૂરતું પ્રતીકાત્મક છે. આ પ્રસ્તાવને કાયદેસર રીતે અમલમાં લાવવા માટે તેને સેનેટમાંથી પણ પાસ કરાવવો પડશે. તે સિવાય, જો ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રસ્તાવ પર પોતાની વીટો પાવરનો ઉપયોગ કરે, તો તેને ફગાવવા માટે બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે.
આ પ્રસ્તાવ ભલે પ્રતીકાત્મક હોય, પરંતુ તે દર્શાવે છે કે ઈરાન સાથેના યુદ્ધને જે રીતે ટ્રમ્પ હેન્ડલ કરી રહ્યા છે, તેનાથી રિપબ્લિકન પાર્ટીના પોતાના જ નેતાઓ અસંતુષ્ટ છે. ઈરાન સાથેનું આ યુદ્ધ હવે ચોથા મહિનામાં પ્રવેશી ચૂક્યું છે અને તેનો કોઈ અંત દેખાઈ રહ્યો નથી.
અગાઉ આવા ત્રણ પ્રસ્તાવો બહુ ઓછા માર્જિનથી નિષ્ફળ રહ્યા હતા, પરંતુ આ વખતે તે પસાર થવામાં સફળ રહ્યો છે. ગયા મહિને સેનેટે પણ એક પ્રક્રિયાગત મતદાનમાં આવો જ એક અલગ પ્રસ્તાવ આગળ વધાર્યો હતો.
ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કરનારા રિપબ્લિકન પાર્ટીના ચાર નેતાઓમાં મિશિગનના ટોમ બેરેટ, ઓહાયોના વોરેન ડેવિડસન, પેન્સિલવેનિયાના બ્રાયન ફિટ્ઝપેટ્રિક અને કેન્ટુકીના થોમસ મેસીનો સમાવેશ થાય છે. બીજી તરફ, ડેમોક્રેટિક પાર્ટીના કોઈ પણ સભ્યએ આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું ન હતું.
છેલ્લા કેટલાક મહિનાઓથી રિપબ્લિકન પાર્ટીના બહુ ઓછા નેતાઓ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરતા હતા, પરંતુ તાજેતરમાં આ વિરોધ વધતો જોવા મળ્યો છે.
યુક્રેન અને રશિયા મામલે બીજો ઝટકોઃ બુધવારે જ થયેલા એક અલગ મતદાનમાં, સંસદે યુક્રેનને સુરક્ષા સહાય પૂરી પાડવા અને રશિયા પર નવા પ્રતિબંધો લગાવવા માટેના પ્રસ્તાવને આગળ વધાર્યો છે.
