‘હીર સારા ઔર પોંડીચેરી’ના નામ પર છેલ્લી ઘડીએ સેન્સરે વાંધો ઉઠાવ્યો
૧૨ જૂને રિલીઝ પહેલાં ફિલ્મનું નામ બદલીને ‘હીર સારા’ કરવામાં આવ્યું
‘હીર સારા’ને સેન્સરે સૂચવેલા કટના લિસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફિલ્મનાં નામમાં ફેરફાર કરવામાં આવ્યો હતો
મુંબઈ,પત્રલેખા અને માનવી ગગરૂની ફિલ્મ ‘હીર સારા ઔર પોંડીચેરી’ પહેલાં ૨૯ મેએ રિલીઝ થવાની હતી. રિલીઝના ચાર દિવસ પહેલાં જાહેર કરવામાં આવ્યું કે હવે ફિલ્મ પોસ્ટપોન કરવામાં આવી છે અને ફિલ્મ હવે ૧૨ જુને રિલીઝ થશે. સાથે જ એવી પણ જાહેરાત કરવામાં આવી કે હવેથી ફિલ્મનું નામ ‘હીર સારા’ હશે. ત્યારે હવે આ ફિલ્મની બદલાયેલી તારીખ અને નામ અંગેના અહેવાલો અનુસાર, “ફિલ્મ જોયાં પછી સેન્સરની એક્ઝામિનિંગ કમિટીને કેટલાક સીન અને થીમ સ્વીકારવાલાયક લાગ્યા નહીં.
આ પ્રક્રિયામાં થોડો સમય લાગી ગયો, તેના કારણે મેકર્સે ફિલ્મને બે અઠવાડિયા પાઠી ઠેલી હતી. તે ઉપરાંત ફિલ્મનાં નામમાંથી પોંડીચેરી શબ્દ પણ દૂર કરવાનું કહેવાયું હતું. સીબીએફસીના સભ્યોને લાગતું હતું કે ફિલ્મ એક ચોક્કસ અને મેચ્યોર વિષય પર આધારીત છે તેથી તેને દેશના કોઈ જ કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે તેને જોડવું જોઈએ નહીં.” ‘હીર સારા’ને સેન્સરે સૂચવેલા કટના લિસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફિલ્મનાં નામમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ફિલ્મના બીજા ભાગમાં આવેલા એક અપમાનજનક શબ્દને દૂર કરવા માટે નિર્માતાઓને સૂચના આપવામાં આવી હતી.
આ ફેરફારો કર્યા બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ૨૯ મેના રોજ ફિલ્મને ‘A’ (એડલ્ટ) સર્ટિફિકેટ આપ્યું હતું. સેન્સર સર્ટિફિકેટ મુજબ ફિલ્મની લંબાઈ ૯૯ મિનિટ અને ૧૭ સેકન્ડ છે. એટલે કે ‘હીર સારા’નો કુલ સમયગાળો ૧ કલાક, ૩૯ મિનિટ અને ૧૭ સેકન્ડનો છે. કાર્તિક ચૌધરીના દિગ્દર્શનમાં બનેલી ‘હીર સારા’માં પત્રલેખા અને માનવી ગગરૂ સાથે આરિફ ઝકારિયા, શ્વેતા સાલ્વે અને નિશંક વર્મા મહત્વપૂર્ણ સહાયક ભૂમિકાઓમાં જોવા મળશે.ફિલ્મ બે મહિલાઓની ભાવનાત્મક અને પરિવર્તનશીલ રોડ-જર્નીની કહાની રજૂ કરે છે, જેમાં તેઓ વ્યક્તિગત સંઘર્ષાે, સામાજિક અપેક્ષાઓ અને ઇમોશમલ હીલિંગમાંથી પસાર થાય છે.
સેન્સરના આ નિર્ણયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક સવાલો ઉભા કર્યા છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક સુત્રએ જણાવ્યું, “‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (૨૦૨૨), ‘ધ કેરળ સ્ટોરી’ (૨૦૨૩), ‘ઉદયપુર ફાઇલ્સ’ (૨૦૨૫) અને ‘ધ બંગાલ ફાઇલ્સ’ (૨૦૨૫) જેવી ફિલ્મોને CBFCએ તેમનાં મૂળ નામ સાથે જ મંજૂરી આપી હતી. ‘આગ્રા’ (૨૦૨૪) અને ‘અલીગઢ’ (૨૦૧૬) પણ તેમનાં મૂળ નામ સાથે રિલીઝ થઈ હતી. તો પછી ‘હીર સારા ઔર પોન્ડિચેરી’ જેવી હળવી અને લાગણીસભર ફિલ્મને જ અલગ રીતે કેમ જોવામાં આવી અને તેનું નામ બદલવા માટે કેમ કહેવામાં આવ્યું?”SS1
