લાંબા સમય બાદ હું એક બહુ ગમતું , હુંફભર્યું અને મનમોહક પાત્ર ભજવી રહ્યો છું : શાહિદ
ફિલ્મને ૨૦૧૨ની હિટ ફિલ્મ ‘કોકટેલ’ની સ્પિરિચ્યુઅલ સિક્વલ તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે
મુંબઈ,શાહિદ કપૂર રોમેન્ટિક-કોમેડી જોનરમાં ‘કોકટેલ ૨’ દ્વારા વાપસી કરી રહ્યો છે, ત્યારે હવે ફિલ્મમાં પોતાના પાત્ર કુણાલ વિશે કેટલીક નવી વાતો શેર કરી છે. શાહિદની તાજેતરની ફિલ્મોમાં ગંભીર અને નૈતિક રીતે જટિલ પાત્રો જોવા મળ્યા હતા, તેથી આ ફિલ્મને લઈને દર્શકોમાં પહેલેથી જ ભારે ઉત્સુકતા છે. આ વર્ષાે દરમિયાન શાહિદે વિવિધ પ્રકારના પાત્રો ભજવીને પોતાની આગવી ઓળખ બનાવી છે. ‘ઇશ્ક વિશ્ક’ જેવી ફિલ્મોથી રોમેન્ટિક હીરો તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર શાહિદ બાદમાં ‘કમીને’, ‘હૈદર’ અને તાજેતરની ‘ઓ રોમિયો’ જેવી ફિલ્મોમાં વધુ ઊંડા અને અનોખા પાત્રો તરફ વળ્યો હતો.
પરંતુ ‘કોકટેલ ૨’ સાથે તે ફરી એ જગ્યા તરફ પાછા ફરી રહ્યો છે, જ્યાંથી તેણે શરૂઆત કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં શાહિદે જણાવ્યું કે તેને આ પાત્ર કેમ ગમ્યું અને તે તેના તાજેતરના પાત્રોથી કેટલું અલગ છે. શાહિદે કહ્યું, “ખૂબ લાંબા સમય પછી હું એવું પાત્ર ભજવી રહ્યો છું, જે આલ્ફા, કઠોર, ગ્રે અથવા ધારદાર નથી. હું એક ઘણું ગમતું, હુંફભર્યું અને મનમોહક પાત્ર ભજવી રહ્યો છું.” શાહિદના આ નિવેદનથી તેમના ચાહકોમાં ઉત્સાહ વધ્યો છે, કારણ કે ઘણા લોકો તેને રોમેન્ટિક ડ્રામા અને હળવી મનોરંજક ફિલ્મોમાં જોવા પસંદ કરે છે.
કુણાલ તરીકેની તેની ભૂમિકા એક નરમ અને લાગણીસભર પાસું રજૂ કરશે, જે છેલ્લા કેટલાક વર્ષાેમાં તેનાં દ્વારા ભજવાયેલા ઊંડા અને ગંભીર પાત્રોથી એકદમ વિપરીત હશે.‘કોકટેલ ૨’ અંગેના અહેવાલો અનુસાર, તે પ્રથમ વખત રશ્મિકા મંદન્ના સાથે સ્ક્રીન શેર કરશે. ઉપરાંત, ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ની સફળતા બાદ તે ફરી એકવાર ક્રિતિ સેનન સાથે જોવા મળશે, જેના કારણે ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ચર્ચાનો વિષય બની છે. હોમી અડજાણિયાના ડિરેક્શનમાં અને લવ રંજન તથા તરુણ જૈનના લેખનમાં બનેલી આ ફિલ્મ દિનેશ વિજાન, લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા મેડોક ફિલ્મ્સ અને લવ ફિલ્મ્સના બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે.
જોકે ફિલ્મને ૨૦૧૨ની હિટ ફિલ્મ ‘કોકટેલ’ની સ્પિરિચ્યુઅલ સિક્વલ તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે, પણ તેમાં સંપૂર્ણપણે નવા પાત્રો અને નવી વાર્તા જોવા મળશે. આ આધુનિક રોમેન્ટિક કોમેડી-ડ્રામા ત્રણ યુવાન લોકોનાં જીવનમાં પ્રેમ, મિત્રતા અને બ્રેક અપના બદલાતા સંબંધોની કહાની રજૂ કરે છે. મિત્રતાથી પ્રેમ સુધી અને પછી ઊભી થતી અણધારી મુશ્કેલીઓ તથા સંઘર્ષાે તેમની ભાવનાત્મક સફરને આકાર આપે છે. આ ફિલ્મ ૧૯ જૂન, ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.SS1
