Western Times News

Gujarati News

એશિયન અને કોમનવેલ્થ ગેમ્સના ક્વોલિફિકેશન માટે 79મી નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં દેશભરના 370 ટોચના તૈરાકો વચ્ચે જામશે મહાકુંભ

અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપનો રમતગમત રાજ્ય મંત્રીશ્રી જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં શુભારંભ
નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ જેવું પ્લેટફોર્મ ભવિષ્યમાં દેશને ઓલિમ્પિક લેવલના વિજેતાઓ આપશે:- રમતગમત રાજ્યમંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીત
ગુજરાત રાજ્ય રમતગમત ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બની રહ્યું છે, ત્યારે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે રમતગમત રાજ્યમંત્રી શ્રી ડૉ. જયરામભાઈ ગામીતની પ્રેરક ઉપસ્થિતિમાં ’79મી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ 2026′ નો ધમાકેદાર પ્રારંભ થયો.
આ પ્રસંગે યુવા રમતવીરોનો ઉત્સાહ વધારતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તરવું એ માત્ર એક રમત નથી પણ જીવન બચાવનારી એક અદભુત અને અનિવાર્ય કલા છે. તેમણે માન પટેલ, વેદાંત માધવન, સાજન પ્રકાશ અને માઇકલ ફેલ્પ્સ જેવા ચેમ્પિયન્સના ઉદાહરણો આપીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્લેટફોર્મ ભવિષ્યમાં દેશને ઓલિમ્પિક લેવલના વિજેતાઓ આપશે અને અંતમાં તમામ ખેલાડીઓને ઉજ્જવળ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI)ના નેજા હેઠળ આગામી તા. 21 જૂન, 2026 સુધી ચાલનારા આ છ દિવસીય મહાકુંભમાં દેશના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ વિવિધ સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના કુલ 370 ટોચના તૈરાકો ભાગ લઈ રહ્યા છે, જેમાં પુરુષો અને મહિલાઓની વિવિધ 42 ઇવેન્ટ્સ યોજાશે જે આગામી એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફિકેશન ઇવેન્ટ તરીકે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.
સ્પર્ધાના પ્રથમ દિવસે જ 400 મીટર ફ્રીસ્ટાઇલ, 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક અને રોમાંચક રિલે રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા પ્રખ્યાત ઓલિમ્પિયન્સ ખેલાડીઓએ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.
આ ઉદ્ઘાટન પ્રસંગે SFIના પ્રમુખ શ્રી આર. એમ. જયપ્રકાશ, ગોવાના મંત્રીશ્રી શ્રી દિગંબર કામત, શ્રી વિરેન્દ્ર નાણાવટી, શ્રી મોનલ ડી. ચોક્સી, શ્રીમતી ઉર્વશી દેવી તેમજ શ્રી ચિંતનભાઈ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.