Western Times News

Gujarati News

સૌરવ ગાંગુલીની બાયોપિક ‘દાદા’ ૧૪ મે ના રોજ રિલીઝ થશે

ફિલ્મનાં પહેલાં પોસ્ટરમાં રાજકુમાર રાવે જીવંત કરી લોડ્‌ર્સની ઐતિહાસિક ક્ષણ

નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર પ્રથમ પોસ્ટર શેર કરતાં રાજકુમાર રાવના ગાંગુલીના પાત્રમાં થયેલા રૂપાંતરની ઝલક પણ દર્શાવી

મુંબઈ,ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના જન્મદિવસે તેની બાયોપિક ‘દાદાઃ ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’નું પહેલું પોસ્ટર લોંચ કરવામાં આવ્યું છે. સાથે જ નિર્માતાઓએ જાહેરાત કરી છે કે જેની ઘણી રાહ જોવાય છે, તેવી આ ફિલ્મ ૧૪ મે, ૨૦૨૭ના રોજ વર્લ્ડવાઇડ થિએટર્સમાં રિલીઝ થશે.આ પોસ્ટરમાં રાજકુમાર રાવ સૌરવ ગાંગુલીની સૌથી યાદગાર અને ઐતિહાસિક પળોમાંની એકને જીવંત કરતો જોવા મળે છે.

પોસ્ટરમાં તે ૨૦૦૨ની નેટવેસ્ટ ટ્રોફીમાં ઇંગ્લેન્ડ સામે ભારતના ઐતિહાસિક વિજય બાદ લોડ્‌ર્સ મેદાનની બાલ્કનીમાંથી જર્સી લહેરાવતી ગાંગુલીની પ્રખ્યાત ક્ષણોને પુનઃર્જિવિત કરતો નજરે પડે છે. ક્રિકેટપ્રેમીઓ માટે આ ક્ષણ આજે પણ ભારતીય ક્રિકેટના ઇતિહાસની સૌથી યાદગાર તસવીરોમાંની એક માનવામાં આવે છે. ફિલ્મમાં સૌરવ ગાંગુલીની એક પ્રતિભાશાળી યુવા ક્રિકેટરથી લઈને ભારતીય ટીમના સફળ અને પ્રભાવશાળી કેપ્ટન બનવા સુધીની સફર રજૂ કરવામાં આવશે.

તેના વ્યક્તિગત અને વ્યાવસાયિક જિવનના મહત્વના પ્રસંગો સાથે તેના નેતૃત્વ, સંઘર્ષ, આત્મવિશ્વાસ અને ભારતીય ક્રિકેટ પર પાડેલા અમીટ પ્રભાવને પણ ફિલ્મમાં દર્શાવવામાં આવશે.નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર પ્રથમ પોસ્ટર શેર કરતાં રાજકુમાર રાવના ગાંગુલીના પાત્રમાં થયેલા રૂપાંતરની ઝલક પણ દર્શાવી છે. ગાંગુલીના જન્મદિવસે આ જાહેરાત થતાં ક્રિકેટપ્રેમીઓ અને સિનેરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વિક્રમાદિત્ય મોટવાણેના દિગ્દર્શનમાં બની રહેલી આ વાસ્તવિક પાત્રોને અસરકારક રીતે પડદા પર રજૂ કરવા માટે જાણીતા રાજકુમાર રાવ માટે આ ફિલ્મ તેની કારકિર્દીની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે. પ્રથમ પોસ્ટર પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં સૌરવ ગાંગુલીના ક્રિકેટ જીવનની અનેક ઐતિહાસિક ક્ષણોને ભવ્ય રીતે રજૂ કરવામાં આવશે. હાલ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને હવે સત્તાવાર રિલીઝ ડેટ જાહેર થતાં ક્રિકેટપ્રેમીઓ આતુરતાપૂર્વક ‘દાદાઃ ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’ની રાહ જોઈ રહ્યા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.