E20 પેટ્રોલથી મારી ગાડી ખરાબ થઈ, વાહન માલિકની તરફેણમાં કોર્ટનો ચુકાદો
(એજન્સી)રાયપુર, ભારતમાં ઈ-ર૦ ફ્યુઅલને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે એક કેસમાં પહેલીવાર કોર્ટે આદેશ જાહેર કર્યો છે. છત્તીસગઢના રાયપુર જિલ્લામાં કન્ઝ્યુમર કોર્ટે ગાડીના માલિકની તરફેણમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.
ખરેખર, કારના માલિકે આરોપ લગાવ્યો હતો કે ઈ-ર૦ તેલના કારણે તેના વાહનને ઘણું નુકસાન પહોંચ્યું હતું અને વારંવાર રિપેર કરાવવા છતાં કોઈ રાહત ન મળી, માત્ર ખર્ચ જ વધ્યો.
ગ્રાહકનો દાવો હતો કે ઈ-ર૦ પેટ્રોલ ભરાવ્યા પછીથી તેની કારના એન્જિનમાં ગરબડ થવા લાગી હતી. એન્જિનનું પરફોર્મન્સ ખરાબ થઈ ગયું, મિસફાયરિંગ અને માઇલેજમાં પણ ઘટાડો જોવા મળ્યો.
વારંવાર સર્વિસ સેન્ટર પર લઈ જઈને કાર રિપેર કરાવવા છતાં આ સમસ્યાઓ યથાવત રહી, જેના કારણે ગ્રાહકનો ઘણો ખર્ચ થયો. આ કેસનું મુખ્ય કેન્દ્રબિંદુ એ સવાલ પર ટકેલું હતું કે શું ઈ-ર૦ પેટ્રોલના કારણે વાહનોમાં ખરાબી આવી રહી છે?
કાર બનાવતી કંપની અને ડીલરે એવો દાવો કર્યો હતો કે વાહનની મોડેલ ઈ-ર૦ ફ્યુઅલ સાથે સરળતાથી ચાલી શકે છે. ડીલર તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગાડીમાં આવી રહેલી સમસ્યાઓ માલિકની ભૂલ છે, જાળવણી યોગ્ય રીતે ન થવાને કારણે અને સામાન્ય ઘસારાને લીધે વાહનમાં ખરાબી આવી છે.
જોકે, ફરિયાદીનું કહેવું હતું કે વર્ષ ૨૦૨૪ માં ખરીદેલી ગાડી અત્યાર સુધી બિલકુલ ઠીક ચાલી રહી હતી, પરંતુ ઈ-ર૦ પેટ્રોલ ભરાવ્યા પછીથી તેમાં સતત મુશ્કેલીઓ આવતી ગઈ.
કાર માલિકે આ કેસ જાણીતી કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ પર કર્યો હતો. કોર્ટે સુનાવણી બાદ કંપનીને નિર્દેશ આપ્યા છે કે ૪૫ દિવસની અંદર તે જ મોડેલની નવી કાર ફરિયાદીને આપવામાં આવે. આ ગાડી ઈ-ર૦ ફ્યુઅલથી ચાલવા યોગ્ય હોવી જોઈએ. જો કંપની એવું નહીં કરે, તો વાહન માલિકને કારની પૂરી કિંમત પરત કરવી પડશે.
