રથયાત્રા દરમિયાન 41 ઈમરજન્સી કેસઃ 15 લોકો બેભાન થયા
અમદાવાદ, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડ્યો હતો. ભારે ભીડ, ઉકળાટ અને ગરમીના માહોલ વચ્ચે રથયાત્રાના રૂટ પર આરોગ્ય સંબંધી નાની-મોટી તકલીફોના કારણે કુલ ૪૧ જેટલા ઈમરજન્સી કેસો નોંધાયા હતા.
આ તમામ કટોકટીના સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ અને આરોગ્ય વિભાગની ટીમોએ સજ્જ રહીને દર્દીઓને તાત્કાલિક સેવા પૂરી પાડી હતી.આ તમામ કેસોમાં સૌથી વધુ ૧૫ કેસ ભારે ભીડ અને બફારાને કારણે ચક્કર આવવાના નોંધાયા હતા.
આ ઉપરાંત ગીચતાવાળા વિસ્તારોમાં શ્વાસ લેવામાં તકલીફ થવાના ૫ કેસ અને ચાલુ રથયાત્રા દરમિયાન સંતુલન ગુમાવીને પડી જવાના ૪ બનાવો સામે આવ્યા હતા. રથયાત્રાના રૂટની આસપાસ માર્ગ અકસ્માતના ૩ કેસ અને પેટના દુખાવાના ૨ કેસ પણ નોંધાયા હતા. જેમાં દર્દીઓને સમયસર મદદ પહોંચાડવામાં આવી હતી.
અન્ય સામાન્ય તકલીફવાળા દર્દીઓને પણ મેડિકલ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે જ જરૂરી પ્રાથમિક સારવાર આપીને મોટી રાહત આપવામાં આવી હતી. રથયાત્રાને લઈને તંત્ર દ્વારા કરવામાં આવેલી આગોતરી આરોગ્ય સુવિધાઓ અને મોબાઈલ એમ્બ્યુલન્સની વ્યવસ્થાને કારણે તમામ દર્દીઓને સમયસર સારવાર મળી શકી હતી, જેના લીધે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી.
